________________
४४४
છ પદનો પત્ર ટી.વી.માં કદાચ જોઈ શકાય, બાકી ન જોવાય. પહેલા તમે હોવ તો જ જોઈ શકો. અથવા અવધિજ્ઞાન હોય તો જોઈ શકો અથવા કેવળજ્ઞાન હોય તો જોઈ શકો અથવા આવા કોઈ વૈજ્ઞાનિક સાધન હોય તો જોઈ શકો. બાકી તમારી ત્યાં હયાતિ ના હોય અને એ વસ્તુ તમે જુઓ એમ બને નહીં. એમ જાણનાર પોતે વિદ્યમાન ના હોય અને જાણવાનું કાર્ય પોતા દ્વારા બને, એમ બની શકતું નથી. કોઈપણ જાણનાર ક્યારે પણ ત્રણે કાળમાં કોઈપણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પોતે વિદ્યમાન હોય, ધ્યાત હોય તો જ જાણી શકે. તો આ બધું તમે જાણો છો કે નથી જાણતા? જો જાણો છો તો તમે હયાત છો કે નથી? છો. સાક્ષાત્ તો બેઠા છો, પ્રત્યક્ષ દેખાય છે, છતાં આપણને શંકા થાય છે કે આત્મા કેવો હશે? ક્યાં હશે? શું કરવાથી પ્રાપ્ત થાય? અરે ! કંઈ ન કરવાથી પ્રાપ્તિ થાય. કંઈ કરવાથી પ્રાપ્ત થતો જ નથી. બધુંય કરવાનું મૂકીને શાંતિથી બેસી જાઓ તો ઘરમાં ને ઘરમાં જ છે, કંઈ બહાર નથી. કોઈ ચીજ ખોવાઈ હોય તો ઘણી વખત શોધાશોધ કરે, પણ કોઈ કહે કે તમે શાંતિથી બેસો, હમણાં જડી જશે. જ્યાં શાંતિથી બેઠો ત્યાં જ યાદ આવ્યું કે ઓહ! આ રહી. નહોતી જણાતી તેનું કારણ અશાંતિ હતું. અસ્વસ્થ હતો એટલે તેનો ઉપયોગ જ્યાં અસ્તિત્વ હતું ત્યાં જતો નહોતો. જેવો શાંત થયો કે તરત અસ્તિત્વ પર ઉપયોગ ગયો.
એમ મન, વચન, કાયાના યોગને શાંત કરી જો જીવો બેસે, કોઈ વિચાર નહીં, ધર્મના પણ નહીં અને અધર્મના પણ નહીં; એ સ્થિતિમાં જો થોડીવાર ટકી રહે તો તેને અંદરમાં આત્માના અસ્તિત્વનો અનુભવ થાય. ન્યુટ્રલ થઈને બેસવું અઘરું છે. નહીં રિવર્સમાં કે નહીં આગળ એમ એકદમ ન્યુટ્રલ ગાડી રાખીને રહેવાનું છે. કોઈપણ જાણનાર, ક્યારે પણ, કોઈપણ પદાર્થને પોતાના વિદ્યમાનપણા વગર જાણે એ બની શકે નહીં. વિદ્યમાન હોય તો જ જાણી શકે. જાણવાનું કામ તો આપણે સમયે સમયે કરીએ છીએ. માટે, વિદ્યમાનપણું આપણું સમયે સમયે છે. છતાં સમયે સમયે હું છું કે નહીં એની શંકા થયા કરે છે. થાય છે કે નહીં? વિદ્યમાનપણું સમયે સમયે છે. જાણપણું સમયે સમયે ચાલુ છે. ઘરે જાણીએ, બહાર જાણીએ, દિવસે જાણીએ, રાત્રે જાણીએ, ઓછું જાણીએ, વધુ જાણીએ પણ જાણ્યા વગરનો એક સમય પણ નથી, છતાં જાણનારને માનતા નથી.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫