________________
૨૨૬
શું સાધન બાકી રહ્યું ?
ગાથા - ૮
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.
ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે જ્યારે સાધકને અલૌકિક પ્રેમ આવે છે અને એ પ્રેમ પણ દિવસે, દિવસે વૃદ્ધિ પામતો જાય છે ત્યારે એ પ્રેમ, એ ભક્તિ તેને પ્રભુ એટલે આત્માનું મિલન કરાવી દે છે. જેમ નદીનો પ્રવાહ હોય એ વહેતો જ જાય, ક્યાંય અટકી ના રહે અને વધુ ને વધુ જોશપૂર્વક આગળ વધતો જાય, એવી રીતે ભક્તિ અને પ્રેમ જેમ જેમ વર્ધમાન થાય તેમ તેમ જીવમાં યોગ્યતા આવતી જાય છે. અત્યારે આપણો બધો પ્રેમ સંસારના સુખ અને પદાર્થો પાછળ છે. એટલે જ સંતોએ કહ્યું છે,
જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય, ચલો જાય વૈકુંઠ મે, પલ્લો ન પકડે કોય.
બસ, આ ભક્તિનું, પ્રેમનું ઝરણું દિવસે દિવસે વધતું જાય, આત્મપ્રેમ વધતો જાય, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધતો જાય, ગુરુ પ્રત્યેનો પ્રેમ વધતો જાય, ધર્મ પ્રત્યેનો પ્રેમ વધતો જાય. અંદરની રુચિ હોય તો પ્રેમ વધે છે, નહીં તો નિયમ લીધા હોય, પણ રૂઢિ પ્રમાણે કરી જાય, પણ અંદરમાં ભાવભાસન ના આવે અને ભાવભાસન વગરની સર્વ પ્રકારની સાધના નિષ્ફળ જાય. ભાવભાસન આવવું જોઈએ, પ્રેમ થવો જોઈએ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે, રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.
જેની જ્યાં રુચિ છે ત્યાં તેની સર્વ શક્તિ લાગે છે અને તે ચારિત્રની ધારાને પ્રગટ કરી દે છે. પોતાના આત્મામાં અને આત્મા જેમણે બતાવ્યો એવા ગુરુ અને ભગવાન પ્રત્યે પ્રેમ કરવાનો છે. તેનાથી વિશેષ પ્રેમ મુમુક્ષુને, સાધકને જગતના કોઈ પદાર્થ ઉપર હોય નહીં. ઘરવાળા છેલ્લે, કુટુંબવાળા છેલ્લે પણ દેવ-ગુરુ-ધર્મ અને પોતાનો આત્મા સૌથી પહેલા અને સૌથી વિશેષ. યોગ્યતા હોય તો તે સહજમાં આવે છે. યોગ્યતા ના હોય તો જીવ ગમે તેટલું મથે તો પણ તેને એવો પ્રેમ સહજપણે આવતો નથી.
કેટલાંય અંગૂઠાછાપ જીવોએ પરમાત્મામાં પ્રેમ, પોતાના આત્મામાં પ્રેમ કર્યો છે. એમને લખતા-વાંચતા નહોતું આવડતું, છતાં બધા શાસ્ત્રોનો સાર એમના હૃદયમાં આવી જતો હતો.