________________
૨૫૧
શું સાધન બાકી રહ્યું ?
મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે,
પણ સમજીને જે ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. થોડી સાધના કરો, પણ સમજણપૂર્વકની કરો, યથાર્થ કરો. તો તેનું ફળ પરંપરાએ મોક્ષ મળશે.
ભગવાનની ભક્તિ કરતા સાડા ત્રણ કરોડ રોમ ઉલ્લી જવા જોઈએ. ભગવાનની દશા ઉપર, ભગવાનની વીતરાગતા ઉપર, ભગવાનના અનંતજ્ઞાન અને આનંદ ઉપર ઉપયોગ જાય તો અંદરની મોહ અને આસક્તિ તૂટ્યા વગર રહે નહીં.
છાર પર લીંપણું. જે મકાનમાં પોપડા ઉખડી ગયા હોય, તેના ઉપર થાગડથીગડ કરી બીજું છાણ નાખે તો એ ઉખડી જવાનું, તેમ શુદ્ધ શ્રદ્ધા વગરની ક્રિયા તે છાર પરના લીંપણ જેવી છે. જ્યારે આત્માનો નિર્ણય થાય ત્યારે સાચી અનાસક્તિ આવે અને સાચી અનાસક્તિ આવે તો સંસારના પદાર્થો ને સુખ પ્રત્યેની આસક્તિ ઘટે. આ રિઝલ્ટ આવે તો સમજવું કે આપણી ભક્તિ સાચી. આસક્તિ ઘટે તો સમજવું કે આપણે સાચા માર્ગે ચાલી રહ્યા છીએ. જેવી આસક્તિ સંસારના પદાર્થોમાં છે તેવી ભગવાન પ્રત્યે આવી જાય તો અનાસક્તિ આવ્યા વગર રહે નહીં. ભગવાન સંપૂર્ણ અનાસક્ત છે અને તેમનો ઉપયોગ અખંડપણે સ્વરૂપમાં સ્થિર થયો હોવાથી સ્વરૂપસ્થ છે. સ્વરૂપી હોવાના કારણે ભગવાન અનંત આનંદમાં લીન છે, અનંત શાંતિમાં લીન છે. એવી શાંતિ અંશે એના આશ્રિતોને પ્રગટ થાય છે. જ્ઞાનીને બહારથી તો બધા ઓળખે પણ આત્મદશાથી ઓળખે તો પાંચેય ઇંદ્રિયોના વિષયોમાંથી રૂચિ ઘટ્યા વગર રહે નહીં. જે કંઈ આરંભ-પરિગ્રહના કાર્યો છે એમાં રુચિ મોળી પડ્યા વગર રહે નહીં. તો, જે-જે ભાવોથી સંસારની વૃદ્ધિ થાય છે તે તે ભાવોની રુચિ અંદરમાંથી ઘટતી જાય, મટતી જાય અને ક્રમે કરીને નાશ થઈ જાય છે.
સાચી વસ્તુનું માહાસ્ય આવે તો જીવ સ્વરૂપમાં ગયા વગર રહે નહીં. કેમ કે, અંદરમાં જે આપણું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એ જ પરમાત્મા છે. ભગવાનનો દેહ તે પરમાત્મા નથી. દેહ તો ભગવાનનો પણ જડ જ છે. સમવસરણ છે, ઈન્દ્ર ચામર ઢોળે છે માટે તેઓ ભગવાન છે એમ નથી. પણ જેમને અખંડ, અનંતજ્ઞાન પ્રગટ થયું છે, જે સર્વજ્ઞ છે, જે વીતરાગ છે, જે સ્વરૂપસ્થ છે, જે અનંત આનંદમય છે, માટે તેઓ ભગવાન છે. ભગવાન તે શુદ્ધ આત્મા છે.