________________
૩૨૩
બસ ! સ્વભાવના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય છે, આખા જૈનમાર્ગનો સાર આટલો છે. વિભાવથી છૂટી અને સ્વભાવના આશ્રર્ય, સ્વભાવભાવમાં રહેવું - એ ચૌદ પૂર્વનો સાર છે. સમસ્ત દ્વાદશાંગનો સાર સ્વરૂપસ્થ થવું તે જ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.
ક્ષમાપના
એટલે સમસ્ત સાધનાનો સાર, સમસ્ત પુરુષાર્થનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.' સ્વરૂપસ્થ થવું એ જ સત્ય પુરુષાર્થ છે. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી શુદ્ધતા અને પવિત્રતા થઈ કહેવાય. નિર્જરા બે પ્રકારની છે - એક સકામ નિર્જરા છે, બીજી અકામ નિર્જરા છે. કર્મના ઉદય આવે ને ભોગવાઈને ખરી જાય તે અકામ નિર્જરા અને જ્ઞાનીઓ તપ તથા ધ્યાન દ્વારા કર્મોની ઉદ્દીરણા કરીને તેને ઉદયમાં લાવીને ખેરવે છે તે સકામ નિર્જરા. તો, જેટલી શુદ્ધતા થઈ તેટલી કર્મની નિર્જરા ને પવિત્રતા કહેવાય. આમ, જેટલા અંશે આત્મા શુદ્ધ થયો તેટલા અંશે પવિત્ર અને જેટલા અંશે અશુદ્ધ તેટલા અંશે અપવિત્ર. જેટલા ભાવોની શુદ્ધિ થઈ તેટલા ભાવની અપેક્ષાએ પવિત્ર અને જેટલા ભાવોની અશુદ્ધિ છે તેટલા ભાવોની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય. સમકિત થાય ત્યાર પછી નિર્જરા થવા માંડે છે અને આપણે તો તેથી પહેલા જ માની લઈએ છીએ કે હું તો મોક્ષમાર્ગમાં આગળ વધી ગયો અને કોઈકે સિક્કો માર્યો કે તમે તો બે-પાંચ ભવમાં મોક્ષે જતા રહેવાના એટલે આ ફુલીને ફાળકો થઈ ગયો પેલા દેડકાંની જેમ.
એક ફુગ્ગા વેચવાવાળો નીકળ્યો. છોકરાંઓ એને ઘેરી વળ્યા કે અમને ફુગ્ગા આપો અને પેલો જેમ મોટો ફુગ્ગો ફુલાવે તેમ છોકરાંઓ કહે અમને આ ફુગ્ગો આપો. એમ પચ્ચીસત્રીસ છોકરાંઓ ફુગ્ગા લેવા માંડ્યા. એક દેડકાંએ જોયું કે આ બધા માંગે છે તો કંઈક વસ્તુ સારી લાગે છે, આપણેય માંગીએ. તો એણે ત્યાં જઈને કહ્યું કે મારે ફુગ્ગો નથી લેવો, પણ પેલો પમ્પ મને મારો તો હું પણ આ ફુગ્ગા જેવો મોટો થઈ જઉં, ફુલાઈ જઉં. ફુગ્ગાવાળો કહે, ‘ભાઈ ! તને ના મરાય, તું તો ફાટી જાય.' ફુગ્ગાવાળાના ઘણું સમજાવા છતાં દેડકો માન્યો નહીં. એટલે તેણે દેડકાની પાછળ પમ્પ ભરાવીને હવા ભરવા માંડી, દેડકો થોડો મોટો થતો ગયો. ફુગ્ગાવાળાએ જોયું કે હવે આ ફૂટી જાય એમ છે. એટલે કહે, બસ ? તો દેડકો કહે, ના! હજી મોટો કરો. એક પમ્પ માર્યો ને દેડકો ફૂટી ગયો. દેડકાનો નાશ થઈ ગયો. એટલે આપણે પણ કોઈ વખાણ કરે તો ફુલીને ફાળકો નહીં થઈ જવાનું. જે વખાણ કરે છે એ પડોશીના કરે છે, તારા નથી કરતા. તને (આત્માને) ઓળખે એ વખાણ કરે નહીં અને જે વખાણ કરે છે એ તું નથી.