________________
૬૦૪
છ પદનો પત્ર તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે, એવો મનુષ્યદેહ. જુઓ!મનુષ્યદેહની કિંમત આપણે શું કશું? આ જ્ઞાનીઓ આંકે છે. આ મનુષ્યભવનો એક સમય ચિંતામણિ જેવો છે. ચિંતામણી એટલે તમે જે ચિંતન કરો તે તમને મળે. તો, અહીં આત્માનું ચિંતન કરો તો મોક્ષ મળે, એવો આપણો મનુષ્યભવનો સમય કિંમતી છે. એ સમયને આપણે શેમાં વેડફી નાંખીએ છીએ? એ વિચારો !
સમય ગોયમ્ મ પમU/ હે ગૌતમ! તમે એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં! જુઓ! ધંધાઓમાં, કુટુંબમાં, વિષયોમાં, વાસનાઓમાં, આરંભમાં, પરિગ્રહમાં, માન-પૂજા વગેરે અનેક પ્રકારના ખોટા માર્ગોમાં આપણો કેટલો સમય બરબાદ થઈ જાય છે! મુંબઈવાળાને તો થોડે દૂર જવું હોય તો પણ ૪ કલાક થઈ જાય. એમાં વચમાં ક્યાંક જો ભીડ નડી ગઈ તો ઘણો સમય તો એમાં ને એમાં જતો રહે અને પછી અકળામણ ! આગળની ગાડીવાળો પાછો ખોટી સાઈડથી ઘૂસી ગયો તો એના પ્રત્યે પાછું રૌદ્રધ્યાન કે આર્તધ્યાન. જુઓ! ૩-૪ કલાકની મુસાફરી તથા એમાં આર્તધ્યાન તો ક્યાંય પહોંચી ગયું ! પોલીસવાળાય ધ્યાન નથી રાખતાં, સિક્યોરીટીવાળા આ વખતે બેકાર આવ્યા છે. લોકો ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરી નાંખે છે. પણ, તારી ઉપયોગરૂપી ગાડી તે
ક્યાં પાર્ક કરી છે! આ ચિંતામણિ જેવો તારો સમય તું ક્યાં કાઢે છે ! આ ક્યાં વહીવટમાં પડ્યા! તારે અહીં અંદરમાં પલાઠી વાળીને બેસી જવાનું હતું અને ઉતરીને નીકળી જા. ગાડી મૂકવાની જગ્યા ના હોય તો ગાડી લીધા વગર ચાલીને આવ પ્રભુ ! રીક્ષામાં આવ અહીં. માથાકૂટ શું કરે છે? પણ આખો દિવસ વણજોઈતા, પ્રયોજનભૂત વગરના, ઘણા વિકલ્પો કરવાની ટેવ પડી ગઈ છે. વિકલ્પ વગર જિવાતું નથી! સમય કેટલો કિંમતી છે.
શ્રી મોક્ષમાળામાં શિક્ષાપાઠ-૫૦માં લખ્યું છે કે વિચક્ષણ પુરુષો અહોરાત્ર ભક્તિમાર્ગમાં, જ્ઞાનમાર્ગમાં, ધ્યાનમાર્ગમાં પોતાનો સમય વ્યતીત કરે છે અને સામાન્ય વિચક્ષણ જીવો વારતહેવારે કે કોઈક એવા પ્રસંગ હોય ત્યારે પોતાનો સમય ધર્મમાં લગાડે છે. અને મૂઢ જીવો નિદ્રામાં, પરિગ્રહમાં, આરંભમાં ને લૌકિક કાર્યોમાં પોતાનો કિંમતી સમય વેડફી નાંખે છે.
“એક પળ વ્યર્થ ખોવી તે એક ભવ હારી જવા તુલ્ય છે એમ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ સિદ્ધ છે.” પરમકૃપાળુદેવનું આ વચન છે. શિક્ષાપાઠ - ૫૦ વાંચવો.