________________
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૧૫
અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.
૮૯
ઓહો ! અનંત કાળથી આથડ્યો ! આ જગતમાં આપણે ક્યારથી રખડી રહ્યા છીએ ? તો કે અનંતકાળથી (અનાદિ કાળથી). કોઈ આદિ જ નથી. જેનો કોઈ છેડો આવે એવો નથી, એટલા કાળથી આપણે રખડીએ છીએ. એ ચોર્યાશી લાખ યોનિમાં એક-એક ભવમાં અનંતવાર જન્મ્યા છીએ અને અનંતવાર મર્યા છીએ. ઓહોહો ! દેવલોકમાં પણ અનંતવાર જઈ આવ્યા, મનુષ્યભવ પણ અનંત વાર મળ્યો, એવી રીતે તિર્યંચ અને નરકના ભવ પણ અનંત વાર મળ્યા છે. તો પણ અનાદિ કાળથી એની એ જ સ્થિતિ છે. કોઈ વખત સારા ભવ મળે છે ત્યારે કર્મ બાંધીને નીચી ગતિમાં જાય છે. તે પછી અનેક યુગો જાય ત્યારે કોઈકવાર પાછો સારો ભવ મળે. મોટાભાગે તો જીવને બહુ જ હલકા અને દુઃખમય ભવો મળતા હોય છે. આ ભવ તો કાલે સમાપ્ત થઈ જશે. આ ભવ ભવોનો અંત કરવા માટે મળ્યો છે. ખોબામાં જેમ પાણી ભર્યું હોય અને ટપક ટપક થતું હોય, એ ખોબો ખલાસ થઈ જાય એવી રીતે આયુષ્ય કર્મના નિષેકો સમયે સમયે ખરતા જાય છે, સ્ટોક ઓછો થતો જાય છે, અને આ મનુષ્યભવ પૂર્ણ થઈ જશે. અનાદિકાળથી આવી સ્થિતિ ચાલી આવી છે.
જે જે ભવમાં જન્મ્યો તે તે ભવમાં જીવ કર્મના ઉદયને આધીન થઈને જ વર્તો છે, આત્માનું આધીનપણું એણે કર્યું નથી. એટલે પરાધીનપણે વર્તો છે. સંસારમાં રખડી રખડીને દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં દુઃખ છે. અનાદિકાળથી આજદિન સુધીમાં અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ એક સમય પણ સ્વાધીનપણે થઈ વર્તો નથી. ઘણો ધર્મ કર્યો, પણ પરાધીનપણે કર્યો, સ્વાધીનપણે ના કર્યો. એટલે પરાધીનપણું એ જ સંસારના પરિભ્રમણનું કારણ છે અને પરાધીનપણે વર્તવું એ અજ્ઞાનનું ચિહ્ન છે. હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી-દુઃખી થઈ રહ્યો છું, પરંતુ મને ‘સત્' નું ભાન થયું નથી. આત્માનું જે ભાન આજ દિન સુધી થવું જોઈએ તે થયું નથી. આત્માની વાતો ઘણી કરી, આત્માની વાતો ઘણી સાંભળી તો પણ આત્માનું સાચું ભાન થયું નથી. વાત કરવાથી કે સાંભળવાથી ભાન થતું નથી, એ તો બહારમાં ભાન થવાનું એક નિમિત્ત છે.