________________
૪૨૧
છ પદનો પત્ર
શાંતિનો અનુભવ પ્રગટ થાય. ધર્મ એટલે આત્માની શાંતિ, અંદરની સર્વ પ્રકારની આકુળતા - વ્યાકુળતા મટી જવી, ગમે તેવા કર્મના ઉદય હોય અને ગમે તેવા બહારમાં બનાવ બનતા હોય તો પણ અંતરંગ શાંતિ અને સ્થિરતા ન હણાવી.
પરમકૃપાળુદેવને જુઓ, કે એવા ઉદય વચ્ચે પણ તેમને અંદરમાં સમાધિ હતી. ઘણા પત્રોમાં તેઓ લખતા કે સહજ સમાધિ છે. દરેક જ્ઞાનીઓને બહા૨માં ઉદય જુદા પ્રકારના હોય છે. ગમે તેવા વિચિત્ર ઉદયની વચ્ચે પણ તેમની અંતરંગ સમાધિનો ભંગ ન થાય એવી સ્થિતિ જ્ઞાનીઓની છે. બોલતા બોલતા પણ સમાધિદશામાં એમનો ઉપયોગ એમના સ્વરૂપનું અનુસંધાન કરી લે છે.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી સત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૮
-
આ આત્મસિદ્ધિ લખતાં લખતાં અને ઉપદેશ આપતા આપતા તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. એમની સમાધિનો ભંગ થતો જ નથી. કેમ કે ઉદયાધીન થતા નથી. કોઈપણ બાહ્ય પદાર્થોમાં એ તાદાત્મ્ય બનતા નથી એટલે એમને સમાધિ છે. સાચું જ્ઞાન છે ત્યાં સાચી સમાધિ છે. જ્ઞાન નથી ત્યાં આકુળતા-વ્યાકુળતા છે. સાચી સમજણ આવે તો દુનિયાના ગમે તે બનાવ બને – ઘરમાં બને, કુટુંબમાં બને, દેહમાં બને કે ગમે ત્યાં બન્ને એનાથી આત્માને શું નિસ્બત છે? આત્માને કર્મો સાથે પણ શું નિસ્બત છે ? આત્માને જગતના જીવો સાથે પણ શું નિસ્બત છે ? આત્માને જગતના કોઈપણ પદાર્થો સાથે પણ શું નિસ્બત છે? બધાય જીવો કે પદાર્થોનું સ્વભાવરૂપે પરિણમન થાય કે વિભાવરૂપે પરિણમન થાય એનાથી આપણા આત્માને કોઈ લાભ કે નુક્સાન છે જ નહીં. નુક્સાન પોતાના પરિણામથી છે અને લાભ પણ પોતાના પરિણામથી છે. આ વાત જ્ઞાનીઓને તો અનુભવ સહિત છે. એટલે એ કયા બનાવમાં ખેદ પામે ? ભય પામે ? આર્ત્તધ્યાન કરે ? રૌદ્રધ્યાન કરે ? આકુળ વ્યાકુળ બને ? એવું બનતું જ નથી. ગમે તે થયું હોય, જ્ઞાન હાજર છે, કેમ કે સમ્યગ્દર્શનનું અસ્તિત્વ મોજૂદ છે. એ જ્ઞાન એમને સ્વભાવનું અવલંબન મૂકીને આગળ જવા દેતું જ નથી. જાય તો પણ પાછું પાડે છે.
આ જ્ઞાનના કારણે ગૃહસ્થ દશામાં રહ્યા હોય તો પણ એમને શાંતિ છે અને અજ્ઞાન અવસ્થામાં ભલે બહાર ત્યાગ કર્યો હોય, મહાવ્રત લીધા હોય, આગમને અનુરૂપ સાધુપણાનું પાલન કરતા હોય તો પણ, જ્ઞાન નથી, તો કંઈક ને કંઈક અશાંતિ અને આકુળતા-વ્યાકુળતા