________________
ઉપર
ક્ષમાપના
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ બાહ્યાંતર નિગ્રંથનો પંથ તે મોક્ષનો ઉપાય છે, જે અપૂર્વ અવસરમાં બતાવ્યો છે. અજ્ઞાનદશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ અનંતાનુબંધી કષાય છે. પત્રાંક-૨૦૦થી વિશેષ સમજવું. નિરાશ્રિત કેમ છું? કેમ કે મારે માથે સદ્ગુરુ કે સદેવ નથી એટલે હું અનાથ છું, નિરાશ્રિત છું.
સર્વજ્ઞનો ધર્મસુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈન બાંહ્ય સ્વાશે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૩૭ - અશરણભાવના તો, જ્ઞાની પુરુષનો આશરો નથી એ જ નિરાશ્રિતપણું છે, એ જ અનાથપણું છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું છે,
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૬ જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. તમે તો બધા સનાથ છો કારણ કે તમારે તો ઘણા છે! ખરો નાથ પોતાનો આત્મા છે. કેમ કે, પરમાત્માનું દાન કરનાર આત્મા છે, પરમાત્મપદને પ્રગટાવી દેનાર પોતાનો આત્મા છે, સમ્યક્દર્શનનો દાતા આત્મા છે, સમ્યકજ્ઞાનનો દાતા આત્મા છે, સમ્યગુચારિત્રનો દાતા આત્મા છે, મોક્ષનો દાતા આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ દાતા નથી. “મારું સર્વસ્વ મારું સ્વ, મારો આત્મા છે. મારું સર્વ પ્રકારનું હિત કરનાર માત્ર મારો આત્મા છે. બીજા કોઈના દ્વારા કિંચિત્ માત્ર મારું હિત કે અહિત થતું નથી. આ નાથની ઓળખાણ થશે ત્યારે જીવ સનાથ થશે. “જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે.” આત્મા પ્રગટે ત્યારે એટલે સમ્યગુદર્શન થાય ત્યારે સનાથ કહેવાય. જેમ કોઈ છોકરીનું સગપણ થાય અને જે સમયે શ્રીફળ અને નાળિયેર આપ્યું તે વખતથી તે સનાથ થઈ ગઈ. તેવી જ રીતે જ્યાં સુધી મિથ્યાત્વ હતું ત્યાં સુધી જીવ અનાથ અને જ્યારે સમ્યક્ત્વનું શ્રીફળ મળ્યું ત્યારે સનાથ થયો. ત્યારે તેનો મનુષ્યભવ સફળ, મોક્ષમાર્ગ સફળ, ત્યાં સુધી સફળતા નહીં.