________________
૩૯૮
ક્ષમાપના રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુ:ખના કારણ છે. રાગમાં જે આનંદ આવે છે, દીકરાને જોઈને જે આનંદ આવ્યો, ઘરવાળાને જોઈને આનંદ આવ્યો, તમારા મિત્રોને જોઈને જે આનંદ આવ્યો, તમારા ગ્રુપવાળાને જોઈને જે આનંદ આવ્યો, રાગ થયો તે પણ દુઃખનું કારણ છે. જે વખતે રાગ થયો તે વખતે પણ દુઃખ છે. તમે કોના ઉપર રાગ કર્યો તે અગત્યનું નથી, પણ રાગ થયો એ જ વિકાર છે અને વિકાર છે એ જ દુઃખ છે. વિકાર અને વિષયાદિનો આનંદ દુઃખનું કારણ છે. આખું જગત આ વિષયોના આનંદમાં ડૂબેલું છે. ટ્રમ્પ ને મોદી હાથ મિલાવે ને બંને ખુશ દેખાય, પણ એ આનંદ નથી પ્રભુ. એ તો એકબીજાની હૂંફ લેવા માટે છે. કે આ પાકિસ્તાનવાળાને તમે મારો ને પેલાને અમે મારીએ, આ વચન લેવા માટેનો આનંદ છે. એ બધા સ્વાર્થમય આનંદ છે. બહારના આનંદ તો બધા સ્વાર્થમય છે. ચીનના પ્રમુખ પહેલાં મોદીને ભેટ્યા હતા, પણ પછી સામા પડી ગયા. એમ આ ટ્રમ્પ પણ જો કાલે કંઈ ઊંધું પડે તો પાછો સામો પડે. આ બધા આનંદ ભૌતિક છે, બાહ્ય છે, વિકારયુક્ત છે, આકુળતાવ્યાકુળતાયુક્ત છે, આમ્રવ-બંધ કરાવનારા છે. વર્તમાનમાં પણ દુઃખ અને ભાવિમાં પણ દુઃખના કારણ છે. ભગવાન તેનાથી છૂટી ગયા છે અને આપણે બંધાયા છીએ.
દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૭૬ ભગવાન પોતાના આત્માનું સહજ સુખ, સહજ આનંદ અનુભવે છે અને અનંતકાળ સુધી અનુભવશે.
સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંતદર્શન, જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ. ૧૯
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ સહજાનંદીઃ- આત્મામાં સહજ આનંદ છે. સ્વાધીન આનંદ એ સહજ આનંદ છે. એમાં કોઈ પરાધીનતા નથી, કોઈનું અવલંબન લેવું પડતું નથી, કોઈની જરૂર પડતી નથી, એ સહજાનંદ છે. આપણે ધૂનમાં બોલીએ છીએ કે,
સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ; દેહ વિનાશી, હું અવિનાશી, આનંદઘન હું આત્મા.