________________
શું સાધન બાકી રહ્યું ?
ગાથા - ૭
વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દેંગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજગ સો જીવહી.
૨૧૧
‘વહ’ એટલે સદ્ગુરુ. એ ‘સત્ય સુધા’ એટલે આત્માનો અતીન્દ્રિય આનંદ તમને બતાવશે. જેટલું વાણી દ્વારા કહી શકાશે એટલું તેઓ કહેશે. બાકી આત્માનો આનંદ તો માત્ર અનુભવગમ્ય છે, વાણીનો વિષય નથી. અનુભવ છે એ મનાતીત છે, વચનાતીત છે, દેહાતીત છે, સર્વાતીત છે. અનુભવ વાણીમાં આવી શકે નહીં, માત્ર સ્વસંવેદનગમ્ય છે. જેમ ગોળનું ગળપણ એ અનુભવનો વિષય છે. તેના ગળપણનું વર્ણન થઈ શકે નહીં. કોઈપણ પદાર્થના સ્વભાવનું વર્ણન થઈ શકે નહીં. છતાં, વક્તવ્યપણે જ્યાં સુધી કહી શકાય ત્યાં સુધી ભગવાન કે ગુરુ કહે છે. એને અવધારણ કરીને જે સત્શિષ્ય છે તે પોતાનું કામ કરી લે છે. ‘સત્ય સુખ’ એટલે અતીન્દ્રિય આનંદ એવો છે, એ જો પૂરો પ્રગટ થઈ જાય તો અનંત કાળ સુધી તમે એ સુખને, આનંદને ભોગવ્યા કરો તો પણ એનો સ્ટોક ખૂટે એવો નથી. એવો અનંત આનંદ પડ્યો છે, એવી અનંત શાંતિ છે.
શાંતિ આત્મામાં જ છે. આનંદ પણ આત્મામાં જ છે. જ્ઞાન પણ આત્મામાં જ છે અને આપણે બધા આત્મા છીએ. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો આત્માની શાંતિ પ્રાપ્ત થાય. બાકી પુણ્યના ઉદયથી જગતમાં ગમે તેટલી અનુકૂળતા મળે એમાં શાંતિ નથી, એમાં આકુળતા છે. બાહ્ય સુખમાં આકુળતા છે અને આત્મિક સુખની અંદરમાં અનાકુળતા છે. જગતના અજ્ઞાની જીવો બાહ્ય સુખની પાછળ રાત-દિવસ દોડ્યા કરે છે. જેમ જેમ એ સુખ ભોગવતા જાય છે તેમ તેમ તેમની અશાંતિ અને દુઃખ પણ વધતા જાય છે. કેમ કે, ભ્રાંતિયુક્ત સુખ અને શાંતિ તેણે અનુભવી છે. ‘સદ્ગુરુની કૃપા એ જ સમ્યગ્દર્શન’ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. એવી કૃપાદૃષ્ટિ ક્યારે થાય ? તમે લાખ રૂપિયાનો ચેક આપો તો થાય ? નહીં. પગ દબાવો તો થાય ? નહીં. તમે પાત્ર થાવ અને આજ્ઞાંકિત થાવ તો થાય. સત્પુરુષને, સદ્ગુરુને બધાંય જીવો સરખા જ છે. કોઈના પ્રત્યે ભેદભાવ નથી, છતાં પણ જે જીવ આત્માર્થી છે, માર્ગાનુસારી છે, આજ્ઞાંકિત છે, વિનયવાન છે, અર્પણતાવાન છે, એના ઉપર તેમની વિશેષ કૃપાદૃષ્ટિ હોય છે. કેમ કે, યોગ્ય જીવ છે. તેને તેઓ સાચા સુખની ઓળખાણ કરાવે છે.