________________
૬૭૪
દુર્લભ એવો મનુષ્યદેહ એનો વાંધો નથી. હવે મહેમાન થઈને રહેશો, માલિક થઈને નહીં રહો. જેમ કોઈ મહેમાન આવે એ બે દિવસના મહેમાન છે, તો હું થોડા વરસનો મહેમાન છું; પણ હુંય મહેમાન જ છું. આ ઘર કંઈ કાયમ માટે રહેવાનું નથી.
તે કોઈ પણ પરને પોતાનું માનવું એ મોટો ગુનો છે. એ પરદ્રવ્ય હોય કે પરભાવ હોય કે પરપદાર્થ હોય-ગમે તે હોય, પોતાનું માનવાનું નહીં. એટલે અંદરમાં જે આત્મીયતાનો સંબંધ છે, જે એકત્વબુદ્ધિ થઈને સંબંધ થાય છે, જે અંદરમાં ગાઢપણું થઈ જાય છે તે નહીં થાય.
પગની નીચે કેળાની છાલ આવી ને લપસી ગયો, પણ એકદમ ખ્યાલ આવી ગયો કે હવે પડ્યા. પડવાનો ખ્યાલ આવતા હવે કેવી રીતે બચવું અને હાથ ક્યાં રાખું તો ક્યાં ઓછું વાગે એ તરત જ ધ્યાનમાં આવશે અને ધ્યાન વગર એમ ને એમ પડી જશો તો વધારે વાગશે. ધ્યાન ન રાખ્યું ત્યારે તો પડ્યા. પણ હવે જ્યાં સુધી નથી પડ્યા ત્યાં સુધી એટલું તો ધ્યાન રાખો કે ક્યાં પડવું ને કેવી રીતે પડવું ને શું પ્રોટેક્શન રાખવું? સહેજ હાથ આમ રાખી દેશો તો ઓછું વાગશે અને હાથ લઈ લો તો ફેક્યર થઈ જશે.
હું દેહાદિ સ્વરૂપ નથી. આત્મા સિવાય હું અન્ય સ્વરૂપે નથી. હું માત્ર ચૈતન્યસ્વરૂપે જ છું. અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ પણ મારો નથી, તો પછી સ્ત્રી, પુત્ર તો મારા હોય જ ક્યાંથી? બોલીએ છીએ છતાંય મારા માનીએ છીએ, તો સ્વાનુભવ સહિત અંદરથી એનો ભેદ નહીં પડે ત્યાં સુધી મારાપણું છૂટવાનું નહીં. મારાપણું ખરેખર ત્યારે છૂટે કે જયારે સ્વાનુભવ થાય. ત્યાં સુધી પોતાની શ્રદ્ધાની દઢતા કરતો જાય તો ક્યારેક સાચું ભેદજ્ઞાન થશે.
ભેદજ્ઞાન એટલે સ્વ ને પરને જુદાં પાડવાં. તે પછી પરને ઉપયોગમાંથી છોડીને સ્વને પકડીને બેસી જવું એ ભેદજ્ઞાનની સિદ્ધિ છે. પછી ત્યાં એવો વિકલ્પ પણ નથી કે હું આત્મા છું ને આ દેહ મારો નથી. એ પહેલાની ભૂમિકામાં હતું પણ હવે તો આત્માકાર ઉપયોગ છે એટલે મન શાંત થઈ ગયું છે, ઈન્દ્રિયો શાંત થઈ ગઈ છે, શરીર સ્થિર થઈ ગયું છે. ઉપયોગ આત્મામાં એકાકાર થઈ ગયો છે. આ ભેદજ્ઞાનની સિદ્ધિ છે.
દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈપણ મારા નથી. ચૌદ રાજલોકમાં એક પરમાણુ પણ. મારું નથી.
અણુ માત્ર પણ રાગાદિનો, સભાવે વર્તે જેહને; તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહિ આત્મને.