________________
૪૬૯
છ પદનો પત્ર
- ૪૬૯ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૧, ૯૨ જ્ઞાની પુરુષોએ જુદી જુદી જગ્યાએ જુદી જુદી પદ્ધતિથી એક જ વાત મૂકી છે કે તમે બધા આત્મા છો અને અજર, અમર, અવિનાશી, શાશ્વત અને દેહાતીત એ તમારું મૂળ સ્વરૂપ છે અને કાયમ ટકવાવાળા છો. અહીંથી જશો તો પણ તમારું અસ્તિત્વ છે. માટે અહીંથી જતા પહેલાં સારું ભાથુ બાંધીને જાઓ કે જેથી તમને આગળ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતી જાય અને ક્રમે કરીને જ્ઞાન પ્રગટ થાય. પછી તમારા અસમાધિમરણ ટળી જાય અને એકવાર એવું પંડિતપંડિત મરણ થઈ જાય કે જેથી ફરીથી નવો દેહ ધારણ કરવાનો રહે નહીં. તો એવા અવિનાશીપણાથી ક્યાં સુધી પહોંચે છે વાત? નવો દેહ ધારણ કરવાની પ્રક્રિયા જ આખી તૂટી જાય ત્યાં સુધીની. જ્ઞાનીપુરુષો આપણને કહે છે કે આ પ્રમાણે કરો તો તમારું કામ અવશ્ય થશે. માટે રોગ આવે કે કંઈ પણ થાય, પણ ગભરાશો નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' જયારે જ્ઞાનમાં બન્ને સ્પષ્ટપણે નિજ નિજરૂપે સ્થિત થાય ત્યારે ભેદવિજ્ઞાન, આત્મજ્ઞાન થયું કહેવાય. જેમ બે ટેપરેકોર્ડર એકસરખા છે પણ બેફાટ જુદા દેખાય છે. તેવી રીતે જ્ઞાન ઉપયોગમાં નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ તથા આત્મા એ બે બેફાટ જુદા દેખાય ત્યારે તેને નિત્યપણાનું સાચું જ્ઞાન થયું કહેવાય.