________________
૫૩૫
છ પદનો પત્ર
નામ કહીએ તો શુદ્ધ ઉપયોગ. સાક્ષાત્ નિર્જરા અને મોક્ષનું કારણ શુદ્ઘ ઉપયોગ છે. એની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે અને બારમા ગુણસ્થાનકમાં એની પૂર્ણતા થાય છે. આમ તો સિદ્ધલોકમાં જાય ત્યારે છે, પણ કેવળજ્ઞાન થયા પછી બીજા કોઈ ઘાતીકર્મ નથી રહ્યા એટલે ત્યાં બીજું કોઈ કારણ નથી. સયોગીમાં જે યોગ છે તે પછી છૂટી જાય છે.
હવે, મોક્ષનાં સાધન તો પાંચ શબ્દમાં મૂકી દીધા, પણ આ પાંચ શબ્દ છે બહુ ઊંડા. આદિમાં દાન, તપ, વિનય વગેરે આવી જાય. પહેલું સમ્યગ્દર્શન છે, જ્ઞાન પછી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે તો આ આખો પત્ર છે. સમ્યગ્દર્શન કોને કહેવાય એ આપણે પહેલા સમજી લેવું જોઈએ. સમ્યગ્દર્શન કહે છે કે મને ગ્રહણ કરતાં પહેલાં વિચાર કરજો ! મને ગ્રહણ કર્યા પછી તમારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તમને લઈ જવા પડશે. માટે સમ્યગ્દર્શનને બરાબર ઓળખજો એમ જ્ઞાનીઓ કહે છે. સમ્યગ્દર્શન કોને કહે છે ? तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् ।
– શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય - ૧ - સૂત્ર -૨
-
-
નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થવી એને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનના બે ભેદ છે - (૧) વ્યવહાર સમ્યગ્દર્શન અને (૨) નિશ્ચય સમ્યગ્દર્શન. જેને વ્યવહાર સમ્યગ્દર્શનનું ઠેકાણું ના હોય તેને નિશ્ચય સમ્યગ્દર્શન થઈ જાય એમ બનતું નથી. માટે પહેલા વ્યવહાર સમ્યગ્દર્શનને પણ સમજવું. નવ તત્ત્વોની હેય-જ્ઞેય-ઉપાદેયપૂર્વક નિશ્ચય અને વ્યવહારના પડખાને સમજીને યથાર્થ શ્રદ્ધા થવી જોઈએ.
જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વશે.
· શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૨૪ - ગાથા - ૩
‘શ્રી મોક્ષમાર્ગપ્રકાશક' માં એની વ્યાખ્યા કરી છે કે, વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. ‘શ્રી સમયસાર’ માં એ વ્યાખ્યા કરી કે સ્વ-પરનું ભેદપૂર્વક અવલોકન થવું એનું નામ સમ્યગ્દર્શન. એટલે જડ-ચેતનનો યથાર્થ વિવેક થવો. એક જગ્યાએ એવું પણ મૂક્યું છે કે ‘આત્મા આ છે’ એવો નિશ્ચયભાવ તે સમ્યગ્દર્શન છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૪૩૧ માં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે, ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ