________________
૬૪૮
દુર્લભ એવો મનુષ્યદેહ
સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે,દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિ ધામે.
જ્ઞાનીઓને ઓળખવા, ઓળખાયા પછી એમનો બોધ મળવો, બોધ મળ્યા પછી એમાં શ્રદ્ધા થવી, શ્રદ્ધા થયા પછી એમનો આશ્રય થવો અને આશ્રય થયા પછી જે કાર્યની સિદ્ધિ ભેદવિજ્ઞાન દ્વારા કરવાની છે તે ભેદવિજ્ઞાન થવું એ ઉત્તરોત્તર દુર્લભ છે. એક જ્ઞાનીને ઓળખ્યા, એમને જીવ વળગી પડ્યો અને એમનું ધાકડેધાકડ સ્વીકાર્યું તો આ મનુષ્યભવ સફળ. તમે જેમ જ્ઞાનીની પરીક્ષા કરો છો, તેમ જ્ઞાની પણ તમારી પરીક્ષા કરતા હોય છે. એમ ના સમજશો કે જ્ઞાની પરીક્ષા નથી કરતા. તમને ખ્યાલ પણ ન આવે એવી રીતે એમની પરીક્ષાઓ ચાલતી હોય છે. તેઓ જુએ કે હજી આની પરિપક્વતા બરાબર થઈ નથી. એટલે તેને જે ભૂમિકામાં હોય તે ભૂમિકાને અનુરૂપ જ બોધ આપે છે. કારણ કે, એટલો જ બોધ કાર્યકારી થાય એવું છે, એથી વિશેષ કાર્યકારી થાય નહીં. ગમે તેટલું આપો તો પણ યોગ્યતા – પાત્રતાથી વિશેષ તેને હજમ કરી, કાર્યની સિદ્ધિ કરી શકે નહીં.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૩૪
-
પહેલા જ્ઞાનીને શોધો, તેમને તત્ત્વદૃષ્ટિથી ઓળખો. તેઓ મોક્ષગામી જીવ છે એ દૃષ્ટિથી તેમને ઓળખો અને પછી તેમનો આશ્રય કરો. બહારમાં તેમને પણ વિચિત્ર ઉદય હોઈ શકે છે. બાહ્ય દૃષ્ટિથી ઓળખવા જશો તો જ્ઞાનીની સાચી ઓળખાણ નહીં થાય. જ્ઞાનીની ઓળખાણ પરમાર્થ દષ્ટિથી થાય તો તે પરમાર્થહેતુનું કારણ બને.
કયા મનુષ્યદેહને કૃતાર્થ કહ્યો છે ? તો કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા તે મનુષ્યદેહ કૃતાર્થ કહેવાય. મળ્યા એટલે કૃતાર્થતા નથી, પણ ઓળખ્યા એટલે કૃતાર્થતા છે. મળ્યા તો અનેકને, પણ કૃતાર્થતા પ્રાપ્ત કરનારા જીવો તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ હોય છે. આ તો પંચમકાળ છે. એટલે જ્ઞાનીપુરુષને જો સ્વરૂપદૃષ્ટિથી ઓળખ્યા, તત્ત્વદૃષ્ટિથી ઓળખ્યા, મોક્ષગામી – મોક્ષમાર્ગી છે તે દૃષ્ટિથી ઓળખ્યા; તો સત્પુરુષના આત્માનું, તેમના ગુણોનું, તેમની દશાનું જીવને પારમાર્થિક માહાત્મ્ય આવે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે,