________________
૨૬૪
ક્ષમાપના
ક્ષમાપના એટલે પ્રતિક્રમણ, આલોચના, દોષોનું પ્રાયશ્ચિત્ત. અનાદિકાળથી રાગદ્વેષ, મોહમય પરિણામો દ્વારા આપણે અનેક પ્રકારના દોષો કરતા આવ્યા છીએ. એથી જ કર્મ બાંધીને ચારે ગતિમાં પોતાના દોષના કારણે આપણે દુઃખી થયા છીએ. તો આપણા દોષો કયા કયા છે ? એ દોષો કેમ જાય ? એના માટે આપણે શું પુરુષાર્થ કરીએ તો આપણે નિર્દોષપણે રહી આત્માનું પૂર્ણ કલ્યાણ કરી શકીએ ? તેનો ઉપાય ‘ક્ષમાપના’ છે. હકીકતમાં તો જીવ પોતે જ પોતાનો દોષી છે, બીજા પ્રત્યે આપણે દોષ કરીએ છીએ એ તો વ્યવહાર છે. બીજા પ્રત્યે કોઈપણ પ્રકારનો દોષ કરતાં જીવ સ્વયં દોષી બની જાય છે; અને પરિણામ અનુસાર બંધ પડે છે, પછી એના જે કાંઈ કર્મો બંધાય છે એનું ફળ પોતે જ ભોગવે છે. આ આખું જગત – ૮૪ લાખ યોનિના જીવો, વર્તમાનમાં જે બહારમાં સુખી કે દુ:ખી દેખાય છે તે પોતાના કરેલા કર્મના ફળ ભોગવે છે. તો, કર્મ માત્ર કુશીલ છે, ચાહે શુભ હોય કે અશુભ હોય.
ક્ષમાપનાનો પાઠ આપણે લગભગ દ૨૨ોજ બોલી જઈએ છીએ, પણ જો એનો ‘ભાવ’ અને અર્થ સમજ્યા હોઈએ તો એનાથી આપણને ઘણો લાભ થાય. કોઈપણ ક્રિયા ભાવ વગરની થાય એનાથી વિશેષ લાભ ન થાય. કોઈપણ ધર્મની ક્રિયા તમે કરો એની અંદર એ શબ્દોનો ભાવ ભાસે અને ભાવપૂર્વક બોલાય, સમજણપૂર્વક બોલાય, લક્ષપૂર્વક બોલાય, તો એની એ જ ક્ષમાપના અને એના એ જ ભક્તિના પદો ઘણા લાભકર્તા થઈ જાય છે. અત્યાર સુધી આપણે રૂઢિ પ્રમાણે ધર્મની બધી ક્રિયાઓ કરી છે. જે કોઈ જે ધર્મ પાળતા હોય, જૈન હોય તો જૈન, જૈનોની અંદ૨માં જે કોઈ ફાંટા હોય તે બધા ફાંટાઓ - દિગંબર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી, તારણપંથી વગેરે – દરેક ફાંટાઓવાળા કે જેને જ્ઞાનીઓનો યોગ થયો નથી, એ બધા ધર્મની ક્રિયાઓ તો ઘણી કરે છે, પૂજાઓ કરે, ભક્તિ કરે, ધ્યાન કરે, સ્વાધ્યાય કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે વગેરે ઘણું કરે, પણ જો સમજણપૂર્વક થાય, ભાવપૂર્વક થાય, લક્ષપૂર્વક થાય તો એના એ જ શબ્દો, એની એ જ ક્રિયા આપણને મોક્ષના હેતુભૂત થાય.
મોક્ષના હેતુભૂત ક્રિયા તો એક જ છે - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભેદતા અને તે કોઈ પંથની કે વાડાની ચીજ નથી; એ તો આત્માનો સ્વભાવ છે. કોઈપણ વાડાની અંદરમાં તમે પૂરાઈ જાઓ એટલે સંપૂર્ણ સત્ય તમારા હાથમાંથી જતું રહે છે. હા, વાડામાં સારી વસ્તુને લઈ લો એનો નિષેધ નથી, પણ એનો અર્થ એવો નથી કે બીજાઓમાં સારી વસ્તુ હોય એનો સ્વીકાર ના કરવો. તમે જમણવા૨માં જમવા જાઓ છો તો વીસ-પચ્ચીસ આઈટમો જુદી જુદી હોય છે,