________________
૪૫૪
છ પદનો પત્ર એવું નથી. અનાદિકાળથી હતું અને અનંતકાળ સુધી રહેશે એનું નામ નિત્યપણું છે. જેની આદિ નથી અને જેનો અંત નથી. આદિ-અંતથી રહિત છે એવું આત્માનું અને છયે દ્રવ્યનું નિત્યપણું છે. નિત્યપણું છે એટલે આ આત્મા અનંતકાળ પછી પણ રહેવાનો છે અને પાંચપચાસ-સો વર્ષ પછી પણ રહેવાનો છે. માટે પરભવ છે. પરભવ છે તો જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી કોઈ ને કોઈ ગતિ પણ રહેવાની. ગતિ રહેવાની તો કર્મના ઉદય અનુસાર શાતાઅશાતા રહેવાના અને એ શાતા-અશાતાના ઉદય વર્તમાનમાં તમે જે જીવન જીવ્યા છો તેને અનુરૂપ રહેવાના. તેનો આધાર વર્તમાનમાં તમે રાગ, દ્વેષ, અજ્ઞાનમય ભાવોથી રહ્યા છો કે વીતરાગભાવથી – જ્ઞાનભાવથી તેના ઉપર છે. જેટલા જેટલા શુભાશુભ ભાવ કર્યા છે તે શુભાશુભ ભાવો અનુસાર આગળના ભાવોમાં તેને અનુરૂપ ગતિ અને તેને અનુરૂપ શાતા કે અશાતા આવવાના છે. વર્તમાનમાં આવે છે તે પણ પૂર્વના જે કાંઈ ભાવો કર્યા છે એના દ્વારા આવ્યા છે.
નિત્યપણાનો સ્વીકાર કરવાથી આપણને એક લાભ એ થાય છે કે તેનાથી આપણામાં નિર્ભયપણું આવે છે. આ ભાવ જેમ જેમ દેઢ થાય તેમ તેમ જીવ અંદરમાં નિર્ભય થતો જાય છે. કેમ કે, મારો નાશ છે જ નહીં. નાશ થાય તો ભય લાગે ને! જીવને મરવાનો ભય લાગે છે, પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં હું મરી શકું એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જગતનું કોઈ દ્રવ્ય મને મારી શકે તેમ છે જ નહીં. હું નિત્ય પદાર્થ છું. એમ વિચારે તો મૃત્યુનો ભય ના લાગે. તેનાથી નિર્ભયતા આવે છે, પણ બીજી બાજુ સંસારનો ભય લાગે છે કે હું નિત્ય છું તો આ બાંધેલા કર્મો મારે ભોગવવા પડશે. ત્યાં ચાર ગતિના દુઃખોનો પાછો ભય રહેલો છે. કેમ કે, જ્ઞાન છે કે હું નિત્ય છું. તો જયાં સુધી સર્વ પ્રકારના કર્મોથી નિરાવરણ નહીં થાઉં- જયાં સુધી દેહનું ધારણપણું છે ત્યાં સુધી મારે શાતા અને અશાતાના સંબંધ રહેવાના. માટે નિત્ય છું એ સ્વીકારવામાં મોટી જવાબદારી આવી અને પાછો ચેતન છું. અચેતન હોત અને નિત્ય હોત તો કાંઈ વાંધો ન હતો. કેમ કે, એનામાં અનુભવ શક્તિ નથી. સુખ-દુઃખ વેદવાની શક્તિ નથી. એટલે એને હર્ષ-શોક કે સુખ-દુઃખ થતું નથી પણ અહીં તો વેદનજ્ઞાન સ્પષ્ટ છે. એટલે જીવ જ્યારે અશાતાને વેદે છે ત્યારે અંદરમાં આકુળ-વ્યાકુળ બની જાય છે. માટે ભવિષ્યમાં શાતા-અશાતાના ઉદયમાં આકુળવ્યાકુળ ના થવું હોય તો આત્માના નિત્યપણાને સમજીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો. પરમકૃપાળુદેવ કહે છે,