________________
ભક્તિના વીસ દોહરા
૫૧
જગતનો કોઈ પદાર્થ કિંચિત્ માત્ર તારે કામ આવે એવો નથી. અને કદાચ ભગવાન આપશે તો તું હેરાન થઈશ. કદાચ ભગવાને તારે ત્યાં ૫૦ કરોડનો ઢગલો કર્યો તો હવે તને શાંતિ મળશે કે અશાંતિ ? અશાંતિ મળવાની છે. હવે એ ૫૦ કરોડને કેમ સાચવવા, કેમ વધારવા ને એનું કેમ જતન કરવું એ જ ભાંજગડમાં પડશે. આ ૯૯ ના ચક્કરમાં પડ્યો પાછો. ભગવાનની સાચી ભક્તિ જેને પ્રાપ્ત થાય એનું બધું નાશ થઈ જાય ને એ સર્વસંગપરિત્યાગ કરીને નીકળી જાય. એ જ ભગવાનની ખરી કરુણા છે. પણ અજ્ઞાની જીવ કહે છે કે પહેલા અમારે કંઈ નહોતું, પણ આ પાંચ વર્ષમાં તો ભગવાનની ખૂબ કૃપા થઈ. પહેલા નહોતી પણ હવે કૃપા થઈ !!
આત્માનો શુદ્ધ સ્વભાવયુક્ત ધર્મ કેવો છે? વત્યુ સહાવો ધમ્મો । એની સમજણ પણ પ્રભુ મારામાં નથી.
નહિ શુભ દેશે સ્થાન.
અશુભનો ત્યાગ કરીને શુભભાવને સ્થાન આપવાની પણ મારી યોગ્યતા નથી; એટલો હું અશુભ ભાવમાં, અશુભ પ્રવૃત્તિમાં ૨૪ કલાક વહી રહ્યો છું. મોટાભાગે સંસારી અસંયમી જીવોને, અજ્ઞાની જીવોને તો અશુભ ઉપયોગની મુખ્યતા હોય છે, શુભ ઉપયોગની મુખ્યતા હોતી નથી. આ કાળમાં શુદ્ધ ભાવ પ્રગટે કે ન પ્રગટે - એ આગળની દશા છે, પણ શુભ ભાવમાં જીવ વધારે ટકી રહે તો ય ઘણું છે. દરેક જીવ આત્મા પ્રાપ્ત કરે એવી તેની યોગ્યતા છે નહીં. ચોથા આરામાં પણ નહોતી, તો અત્યારે ક્યાંથી હોય ? એટલે અશુભને ઘટાડીને શુભ ભાવની વૃદ્ધિ કરે, શુભ પ્રવૃત્તિની વૃદ્ધિ કરે, શુભ ઉપયોગની વૃદ્ધિ કરે તોય ઘણું છે, જેથી પંચેન્દ્રિય સંજ્ઞીપણું કે મનુષ્યભવ તો ટકી રહે. બીજા ભવમાં મનુષ્યભવ મળે તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો એને મોકો ઊભો રહ્યો. જે શુભને પણ સ્થાન નહીં આપે અને અશુભમાં જ રહેશે તેને બીજા જન્મમાં પંચેન્દ્રિય સંજ્ઞીપણું પ્રાપ્ત કરવું અઘરું થઈ જાય છે. તે એકેન્દ્રિય, બે ઈન્દ્રિય આદિ ગતિમાં ચાલ્યો જાય છે. આ કાળના મોટાભાગના જીવો તિર્યંચ ગતિમાં કે નરકમાં જાય એવા એમના પરિણામ છે. એવી સ્થિતિ આ કાળની છે. માટે,
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભગવંત લહો.
· શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫
-