________________
૪૯૮
છ પદનો પત્ર છે એ જ જળવાઈ રહ્યું છે. ખારાશ જેમ મીઠાની છે; એમ વર્તમાનમાં જીવ ક્રોધરૂપે પરિણમી ગયો તો જે ક્રોધ અવસ્થા છે એ કાંઈ જ્ઞાનની નથી. જ્ઞાન તો એ વખતે પણ જાણવાનું કામ કરે છે. ક્રોધ એ જાણવાનું કામ કરતો નથી. જેમ ચણાના લોટમાં ખારાશ નથી એમ ક્રોધમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધ નથી. જ્ઞાન જ્ઞાનરૂપે જ કામ કરી રહ્યું છે અને ક્રોધ ક્રોધરૂપે જ પરિણમ્યો છે. છતાંય બે એકમેક થઈ જવાના કારણે આપણને લાગે છે કે હું ક્રોધરૂપે પરિણમી ગયો છું. આ તો ભેદવિજ્ઞાન છે. આ તો જૈનદર્શનનું ઊંડાણ છે, હૃદય છે. જૈનદર્શન તમે વાંચો, સાંભળો, સમજો ત્યારે ખ્યાલ આવે કે દરેક વસ્તુની સ્વતંત્રતા જ્ઞાનીઓએ કેવી સૂક્ષ્મ. દ્રવ્ય-ગુણ-પર્યાયોથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્તા-કર્મનું સ્થાપન કર્યું છે. એ વસ્તુ યથાસ્થિત સમજાય તો દુનિયાની ગમે તે ગરબડો ચાલે એ તમને આકુળતા-વ્યાકુળતા કરાવનારી નહીં થાય. કેમ કે તમે તરત જુદું પાડી દેશો કે આનંદઘનકું ક્યા? મેરે ઘરમેં કુછ નહીં હૈ. યે સબ પડોશ કે ઘરમેં હૈ. તો તમારી અંતરંગ શાંતિનો ભંગ નહીં થાય. જો આ ભેદવિજ્ઞાન નહીં હોય અને એકની ક્રિયાનો બીજાની ક્રિયામાં આરોપ કરી દીધો તો અંદરની આકુળતા-વ્યાકુળતા કોઈ કાઢી શકે એમ નથી.
અંદરની આકુળતા-વ્યાકુળતા કાઢવી હોય તો સાચું જ્ઞાન કરો અને સાચી પરિસ્થિતિને તત્ત્વદૃષ્ટિથી મૂલ્યાંકન કરો. તો અંદરની આકુળતા-વ્યાકુળતા જશે; નહીં તો, બધા વિકલ્પના ગોટા ચાલતા જશે અને અંદરમાં આકુળતા-વ્યાકુળતા વધતી જશે. જેમ અગ્નિમાં લાકડા નાખીએ અને અગ્નિ વધારે પ્રજવલિત થતો જાય, એમ ખોટા વિકલ્પો કરવાથી અનેક પ્રકારના દુઃખો અને આકુળતા-વ્યાકુળતા વધતી જાય અને શાંતિ મળી શકે નહીં, પણ જ્યારે અંદરમાં સમજણ આવે કે મારું તો કોઈ ખરાબ કરી શકે એવું નથી અને મારું કોઈનાથી ખરાબ થઈ શકે એવું નથી. મારું ખરાબ થયું છે એ મારા વિકલ્પો દ્વારા થયું છે અને મારું સારું મારા નિર્વિકલ્પ દ્વારા. એટલે, વિકલ્પનો ત્યાગ થઈ અને નિર્વિકલ્પ સ્થિતિમાં આવું ત્યારે મારું સારું થઈ શકે એમ છે. બાકી બીજા દ્રવ્ય દ્વારા મારું ખરાબ થતું નથી. જુઓ! અંદરમાં આખી છાંટણી થઈ જાય. એટલે જીવનો પુરુષાર્થ જે પર તરફથી શાંતિ લેવાનો હતો તે તૂટી જાય અને સ્વના આધારે શાંતિ થઈ છે એટલે “સ્વ” તરફ વળવાનો એનો પુરુષાર્થ ચાલુ થાય.
એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં - એવી વસ્તુસ્થિતિ છે. સિદ્ધાંત છે કે બે ક્રિયા એક દ્રવ્ય કરી શકતું નથી. એક જીવ દ્રવ્ય ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. ક્રોધાદિ ભાવો અચેતન છે. કેમ કે, એમાં જાણવા-જોવાનું કામ થતું નથી. આત્મા