________________
૨૦૨
શું સાધન બાકી રહ્યું ?
આવે છે. સદ્ગુરુ તમારી પાસે કંઈ માંગતા નથી. એમને કંઈ મોહ નથી. એમને માન, પૂજા, કીર્તિ કંઈ જોઈતું નથી. એમને કોઈપણ જીવનું કલ્યાણ થાય એવી નિઃસ્પૃહતા માત્ર રહી છે.
જે પૈસા લઈને બોધ આપે છે તે સાચા ગુરુ નથી. પોતાની પાસે જે કંઈ છે એમાંથી એ પૂરું કરે છે. બાકી, કોઈની પાસેથી કંઈ લેતા નથી. કોઈની ઇચ્છા પણ કરતા નથી, માંગતા પણ નથી. આડકતરી રીતે પણ નહીં ને સીધી રીતે પણ નહીં.
ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ; દોનો બુડે બાપડે, બૈઠ પથ્થર કી નાવ.
પથ્થરની નાવમાં બેસે તો ડૂબી જવાય. એટલા માટે વીતરાગ દર્શનમાં મુખ્યપણે નિગ્રંથ ગુરુની પ્રરૂપણા છે. જેમણે સર્વસંગપરિત્યાગ કર્યો છે તે નિગ્રંથ ગુરુ છે. જેમણે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે, જેમને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અનુસંધાન છે, જેમને અઠ્યાવીસ મૂળ ગુણોનું સમ્યક્ પ્રકારે પાલન છે અને જેઓ આત્મજ્ઞાન સહિત છે તે ગુરુ છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪, ૧૦
-
ગુરુપદને યોગ્ય મુખ્યપણે રત્નત્રયધારી આચાર્યો અથવા મુનિઓ છે. નિથ એટલે જેની ગ્રંથિ છૂટી ગઈ છે. બાહ્ય ગ્રંથિ ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે; અત્યંતર ગ્રંથિ ૧૪ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. આ ચોવીસ પ્રકારના પરિગ્રહથી જે રહિત છે તે નિગ્રંથ છે અને એ નિગ્રંથનો પંથ તે ભવ અંતનો ઉપાય છે.
કાયાનીવિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - ‘જડ-ચેતન વિવેક’
જે પૈસા રાખે તે નિગ્રંથ ગુરુ નથી. કોઈપણ પ્રકારના પરિગ્રહ, બાહ્ય કે અત્યંતર હોય તે ગુરુની ગાદીમાં આવી શકતા નથી. એ તમારા ઉપકારી થઈ શકે.
સાચા માર્ગની પ્રરૂપણા