________________
ભક્તિના વીસ દોહરા
૭૫
આપણે પણ એમાં વહી જઈએ છીએ. આપણને પણ પાછું ગમે છે. એટલે સામેવાળી વ્યક્તિ આપણને પા કલાક માટે કોઈ વાત કરે તો આપણે અડધો કલાક કરીએ.
જ્ઞાનીઓની જે આજ્ઞા થઈ હોય, જે બોધ પ્રાપ્ત થયો હોય, આપણા આત્માના હિત માટે જે વાત કરી હોય તેને અત્યંત દુર્લભ સમજીને આરાધના કરવી. આ વસ્તુ અત્યંત દુર્લભ છે. આત્મહિત પ્રાપ્ત થાય એવો બોધ અત્યંત દુર્લભ છે. આત્માનું પતન થઈ જાય એવો બોધ તો ઠેર ઠેર આપણને મળે છે. પાંચ ઈન્દ્રિયના વિષયોના, કષાયોના, આરંભના-પરિગ્રહના, કર્મના આસ્રવ થાય, બંધ થાય એવા બોધ તો ઠેર ઠેર મળે, પણ આત્માનું હિત થાય એવો બોધ મળવો પરમ દુર્લભ છે. આપણને એમ થાય કે પૈસો દુર્લભ છે, બંગલો દુર્લભ છે, પણ એ બધું તો સુલભ છે. અનંતવાર મળ્યું છે. રત્નત્રયયુક્ત ભાવ થવા એ દુર્લભ છે. રત્નત્રયની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. વિવેક નથી એટલે જીવને સાંસારિક પદાર્થો દુર્લભ દેખાય છે. સાંસારિક સુખ દુર્લભ દેખાય છે. જ્યારે સાચા જ્ઞાનચક્ષુ જ્ઞાની પાસેથી મળે ત્યારે ખ્યાલ આવે છે કે દુર્લભ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના કરવી તે છે. નિરંતર તેનો લક્ષ રાખી, જ્ઞાનીઓના બોધને સાંભળીને આત્માનું પોષણ કરવું.
એક વૃદ્ધ શેઠ હતા. તેમને ચાર છોકરાઓ હતા. એક વખત તેમની વહુઓની પરીક્ષા કરવાનું તેમણે વિચાર્યું. દરેક વહુને બોલાવીને ડાંગરના પાંચ-પાંચ દાણા આપ્યા અને કહ્યું કે હું જ્યારે માંગું ત્યારે પાછા આપજો. તેમાં સૌથી મોટી વહુ હતી તેણે વિચાર્યું કે ડોસાનું મગજ ખસી ગયું છે. કોઈ દાગીનો કે કિંમતી ચીજ આપવાના બદલે આવા દાણા આપ્યા. પાંચ દાણાનું શું કરીએ ? એમ વિચારીને એણે તે ફેંકી દીધા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય, ફેંકી દેવા યોગ્ય નથી. એમ વિચારીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા તે નકામા તો નહીં હોય. કોઈક વખત કામ આવશે એમ વિચારીને દાબડીમાં સાચવીને સંઘરી રાખ્યા. ચોથી સૌથી નાની વહુ હતી તે બહુ વિચક્ષણ હતી. તેણે તે પાંચ દાણા પોતાના પિય૨ મોકલી તેને વવરાવ્યા. તેમાંથી જે દાણા થયા તેનાથી બીજા વર્ષે ફરીથી ખેતી કરાવી. એમ દર વર્ષે કરાવ્યું. તેથી ઘણા ગાડા ભરાય એટલી ડાંગર થઈ. પાંચ વર્ષ પછી શેઠે ફરીથી બધાને બોલાવીને દાણાનું શું કર્યું એમ પૂછ્યું. એક વહુએ કહ્યું કે મેં તો ફેંકી દીધા હતા. બીજી વહુએ કહ્યું કે હું તો ખાઈ ગઈ હતી. ત્રીજીએ સંઘરેલા દાણા લાવીને બતાવ્યા કે જુઓ આ રહ્યા. ચોથી વહુએ કહ્યું કે તે દાણા લાવવા તો ઘણા ગાડા જોઈશે. પછી તે મુજબ પોતાના પિયરથી ગાડા ભરીને દાણા મંગાવ્યા. આથી શેઠે તેને ઘરની તિજોરી સોંપી. જેણે દાબડીમાં