________________
૪૪૩
છ પદનો પત્ર
રમતા :- પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. જગતની બધી વસ્તુઓ સુંદર લાગે છે, રમણીય લાગે છે, આકર્ષક લાગે છે એના મૂળમાં આત્મા છે - જીવ દ્રવ્ય છે. રમણીયતા નામના ગુણના લીધે દરેક વસ્તુ સુંદ૨૫ણા સહિત લાગે છે. જો જીવ ના હોય તો ? તો આટલા યુદ્ધ જ ના થાત. આજે યુદ્ધ થાય છે એમાં પણ મૂળમાં તો જીવ બેઠો છે એટલે વિકલ્પો દ્વારા, અજ્ઞાનના કારણે તે યુદ્ધ કરે છે. નહીં તો જો જીવ ના હોય તો દરિયામાં લડો એવું કહે પણ કોણ ? જો કે, કીધું છે અજ્ઞાન અવસ્થામાં, દ્વેષને આધીન થઈને; પણ એ કરનાર તો જીવ છે ને ? જીવ વગર રણ કેવું ને વાત કેવી ? આખી દુનિયામાંથી એક જીવ નામનો પદાર્થ કાઢી નાંખો અને બાકીના પાંચ દ્રવ્ય દ્વારા આખા જગતનો વિચાર કરો. તો આખું જગત શૂન્ય જેવું લાગશે, અરમણીય લાગશે. જેના અવિધમાનપણાથી આખું જગત શૂન્યવત્ લાગે છે અને જેના અસ્તિત્વ-હયાતિ દ્વારા આખું જગત રમણીય લાગે છે. એ ૨મણતા જેનો ગુણ છે. એ લક્ષણ આત્માનું છે. આ લક્ષણ દ્વારા પણ આપણે પ્રથમ પદ ‘આત્મા છે’ તે જાણી શકીએ છીએ.
ઊરધતા ઃ- એ ગુણ દ્વારા પણ આપણે આત્માને જાણી શકીએ છીએ. વ્યવહારથી દસ પ્રાણ દ્વારા અને નિશ્ચયથી આત્માના પ્રાણ જ્ઞાન, દર્શન દ્વારા જીવ જીવે છે. શરીરમાં ગરમી છે કે નહીં એના શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નથી ચાલતા ? એનામાં કંઈ થડકારો થાય છે કે નથી થતો ? વગેરે દ્વારા વ્યવહારથી જીવનું જીવત્વ જોવામાં આવે છે. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ - આ દશ પ્રાણ દ્વારા જીવના અસ્તિત્વનું જાણપણું આપણે કરી શકીએ છે કે આની અંદર જીવ છે. તે વ્યવહારથી છે. એ તો દેહમાં આત્મા છે કે નહીં તે જોવા માટે, પણ એકલા આત્માને જોવા માટેનું એ લક્ષણ નથી. સિદ્ધ ભગવાનને દશ પ્રકારના વ્યવહાર પ્રાણમાંથી એકે પ્રાણ નથી. આયુષ્ય નથી, શ્વાસોચ્છ્વાસ નથી, ઈન્દ્રિય નથી અને મન, વચન, કાયાના ત્રણ બળ પણ નથી; છતાંય સિદ્ધ ભગવાન છે. એમ બે પ્રકારે જીવને સમજી શકાય છે - વ્યવહારથી અને નિશ્ચયથી.
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. હું મુંબઈ આવ્યો ન હતો, પણ મેં તમને ચોપાટીમાં જોયા હતા, એવું બને?