________________
૨૦૩
શું સાધન બાકી રહ્યું ? કરતા હોય, સાચા દેવ, ગુરુ, ધર્મ અને નવતત્ત્વની, આત્માની ઓળખાણ કરાવે તો એ તમારા ઉપકારી થઈ શકે. એમને શિક્ષાગુરુ કહી શકાય, પણ નિગ્રંથ ગુરુ તો અનાદિકાળની નિગ્રંથ પરિપાટી પ્રમાણે હોય. એનું મૉડેલ “અપૂર્વ અવસર છે. એવા ગુરુ જ્યાં જ્યાં વિચરે છે તે બધી તીર્થભૂમિ થઈ જાય છે, એમ શ્રી ભૂધરદાસજી કહે છે,
વે ગુરુ ચરણ જહાં ધરૈ, જગમેં તીરથ તેહ; સો રજ મમ મસ્તક ચઢો, “ભૂધર” માંગે એહ. તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ;
આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ. વ્યવહારથી સૌથી પહેલા નિગ્રંથ ગુરુ, પરમાત્મા કેવળજ્ઞાની તીર્થકર ભગવાન છે. બીજા નંબર પર છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં વર્તતા રત્નત્રયધારી મુનિઓ છે અને ત્રીજા નંબર પર પંચમ ગુણસ્થાનકવર્તી શ્રાવક છે. આવા ગુરુમાં આપણો પ્રેમ પ્રવહે, એમને અર્પણતા થાય, એમની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ, એમની નિશ્રામાં આપણે રહીએ, એમના બોધને આપણે અનુસરીએ તો અવશ્ય આપણા આત્માનું કલ્યાણ થાય, થાય ને થાય જ. ના કેમ થાય?
એક બાજુ કેરોસીનવાળી દીવેટ છે, ને બીજી બાજુ અગ્નિ છે, બંને ભેગું થાય તો દીવો પ્રગટે, પ્રગટે ને પ્રગટે જ. ના પ્રગટે એવું બને નહીં. વર્તમાનમાં એવા ગુરુ ના મળે તો તેમની ભાવના ચોક્કસ રાખો. ત્યાં સુધી ચતુર્થ કે પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાનીપુરુષ અથવા શુભેચ્છાસંપન્ન ઉત્કૃષ્ટ સાધકો છે તેમના સંગમાં રહીને પણ આગળ વધો. તેમનો નિષેધ નથી, પણ નિગ્રંથ ગુરના ખાનામાં તેમને ન બેસાડો. કેમ કે, એ નિગ્રંથ ગુરુ નથી. તેમના થોડા તો લક્ષણ હોવા જોઈએ. પૈસા રાખતા હોય, બેફામ વર્તતા હોય, રાત્રે ખાતા હોય, ગમે તે ખાતા હોય, હોટલમાં પણ ખાતા હોય તો એમને ગુરુ તરીકે ના મનાય. આ વીતરાગદર્શન છે. કાંઈ સામાન્ય નથી.
એક વખત સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડા ગામમાં સત્સંગ અર્થે જવાનું થયેલ. જેસીંગબાપા પણ સાથે હતા. ત્યારે લગભગ ચાર-પાંચ હજાર માણસો હશે. મેં સાત વ્યસનની વાત સમજાવી હતી, જેથી તેમની ભૂમિકા ચોખ્ખી થાય. શ્રી બનારસદાસજી કહે છે,
જુઆ, આમિષ, મદિરા, દારિ, આહટક, ચોરી, પરનારી; એહિ સપ્ત વ્યસન દુઃખદાઈ, દુરિત મૂલ દુર્ગતિ કે જાઈ
– શ્રી સમયસાર નાટક - સાધ્યસાધક દ્વાર - ૨૭