________________
છ પદનો પત્ર
૪૫૧
શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી એમ બે વાત સુખની છે. અજ્ઞાનીઓને પાંચ ઈન્દ્રિયના વિષયનું સુખ છે અને જ્ઞાનીઓને આત્માની સમાધિનું સુખ છે. બંને કહે છે કે અમે સુખી છીએ. જગતના ભોગી જીવો એમ માને છે કે અમે સુખી છીએ, પણ ખરેખર સુખી તો જ્ઞાની છે. જોકે, અજ્ઞાનીઓનો વર્ગ મોટો છે અને જ્ઞાનીઓનો વર્ગ નાનો છે. એટલે બહુમતી હંમેશા અજ્ઞાનીઓની જોવા મળે છે. શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો જીવ પદાર્થ સંભવે છે. જીવ છે, તો આનંદગુણ છે. આનંદગુણ છે તો સ્વભાવ કે વિભાવરૂપે પરિણમન કરે છે. માટે જેને વિષયોનો આનંદ આવતો હોય તેને પણ મૂળમાં જીવ છે એટલે આવે છે અને જેને સમાધિનો આનંદ આવે છે એના મૂળમાં પણ જીવ છે, એટલે આવે છે; નહીં તો આવી શકતો નથી. જીવ ના હોય અને એક્કે આનંદ આવે એમ બને નહીં. બને ?
આ ટેબલ ઉપર રસગુલ્લું મૂક્યું. તો ટૅબલને એનો આનંદ આવે ? ત્યારે જીભને ? જેમ ટેબલ જડ છે એમ જીભ પણ જડ છે. જીભ કાંઈ ચેતન નથી પણ જીભ સાથે જીવનો ઉપયોગ સંકળાયેલો છે એટલે જીવ ઉપયોગ દ્વારા એ રસને ફક્ત જાણે છે, પણ અજ્ઞાન અવસ્થામાં એના સુખને વેદે છે. એટલે આરોપ જીભ ઉપર આવ્યો છે. બાકી જો જીભને સ્વાદ આવતો હોય તો મડદાને આવવો જોઈએ. મડદાના મોઢામાં ગુલાબજાંબુ મૂકે તો એને પણ આવવો જોઈએ, પણ મડદાને આવતો નથી. જીભ તો એની એ જ છે. અડધો કલાક પહેલા દવા કડવી લાગતી હતી, કાકા જીવતા હતા ત્યારે. અને હવે એ જ દવા મૂકી તો કડવી કે ગળી કાંઈ કહેતા જ નથી. કેમ ભાઈ ? હવે શું થયું ? હમણાં અડધો કલાક પહેલા તો તેઓ કહેતા કે મને ભાવતી નથી, મને ના આપશો, સહન નથી થતું ને હવે તમે આખી શીશી રેડી દીધી તો પણ એમને કડવી લાગતી નથી. શું થયું કાકાને ? જીભ તો છે, પણ જીવ નથી. તો સુખ દુઃખનું વેદન કરનારો કોણ હતો ? જીવ હતો, આત્મા હતો. આવું સ્પષ્ટ વેદનજ્ઞાન સમયે સમયે ચાલે છે. કોઈપણ જીવ દરેક સમયે કાં તો સુખને વેદે છે, કાં તો દુ:ખને.વેદે છે અને કાં તો આનંદને વેદે છે, પણ વેદન વગરનો એક સમય પણ કોઈ જીવ નથી. આવું સમયે સમયે વેદન થાય છે. છતાંય હું આત્મા છું એની શંકા થાય છે. આ વાત પ્રથમ પદ ‘આત્મા છે’ તેની ચાલે છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાનોં પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એની આ વાત ચાલે છે.