________________
૧૦૪
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૧૮
પ્રભુપ્રભુલય લાગી નહીં, પડ્યો નસદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય? છૂટવાની લય લાગવી જોઈએ. બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય અને તમે ના આપતા હોય તો એ હઠ કરે છે. ક્યાં સુધી હઠ ચાલવાની? જયાં સુધી વસ્તુ મળે નહીં ત્યાં સુધી. હવે એ ચોકલેટ માંગતો હોય અને તમે કહો કે લે બેટા, આ મારો હાર તને આપી દઉં બસ, પણ એ હારથી નહીં માને. નવા કપડાં આપું, એ પણ નહીં જોઈએ. અરે પણ ચોકલેટ કરતાં આ બહુ કિંમતી છે. તમારી દષ્ટિમાં જે હોય તે, પણ એની દૃષ્ટિમાં તો ચોકલેટ એટલે ચોકલેટ. ચોકલેટ સિવાય દુનિયાની કોઈપણ ચીજ આપો તો તે એના કામની નથી, નકામી છે. આનું નામ ચોકલેટની લય કહેવાય. એવી રીતે આત્માને પ્રાપ્ત કરવાની રઢ લાગે તો પછી માર્ગ સરળ અને સહેલો છે. આ જ જોઈએ, બીજું કાંઈ નહીં. કોઈ નાના છોકરાને એની માતા મેળામાં ફરવા લઈ ગઈ. ત્યાં બધી વસ્તુ જોતાં જોતાં છોકરાની આંગળી છૂટી ગઈ અને એની મા આગળ નીકળી ગઈ. હવે એની માતાને જોઈ નહીં એટલે છોકરો રડવા માંડ્યો. એવો રડે, એવો રડે. બંધાય પૂછે કે તું કોણ છે? તો એ શું જવાબ આપશે? મારી માં. ક્યાં રહે છે? તો કહે મારી મા. ક્યાં જવું છે તારે? તો કહે મારી મા. હજાર પ્રશ્ન પૂછશો તો જવાબ એક જ. આનું નામ રઢ લાગી કહેવાય, લય લાગી કહેવાય. બસ, એ રીતે ખાતા આત્મા, પીતા આત્મા, બેસતા આત્મા, ચાલતા આત્મા, સૂતા આત્મા, ઉઠતા આત્મા - બધેય આત્માની રઢ લાગવી જોઈએ. એવી હજી લગની લાગી નથી. જીવ કહે છે કે સાહેબ! તમે કહો અને મળતો હોય તો આત્મા લઈ લઈએ. નહીં તો પછી આવતા ભવમાં, અહીં કયા ભવના તોટા છે !!
હજી રઢ ક્યાં લાગી છે? રઢ લાગ્યા વગર કામ નહીં થાય. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે, એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે !
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૪૧