________________
૩૭૦
ક્ષમાપના
આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય એનું નામ મોક્ષ અને અશુદ્ધ અવસ્થા થાય એનું નામ અપરાધ, દોષ. આવો મોક્ષ કરવા જ્ઞાનીઓ રાત-દિવસ પ્રયત્નવાન હોય છે.
સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહી; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક-૯૫૪-૩- “અંતિમ સંદેશ” બધા કર્મ પાપ છે. શુભ કર્મો પણ પાપ છે અને અશુભ કર્મો પણ પાપ છે. ઘાતી કર્મો પણ પાપ છે અને અઘાતી કર્મો પણ પાપ છે. કર્મ માત્ર પાપ છે. હવે જે જે કાર્ય કરવાથી આગ્નવ-બંધ થાય એ બધાં કાર્યો પરમાર્થ દૃષ્ટિથી પાપમય છે. કેમ કે, મિથ્યાત્વ અવસ્થામાં ઘાતી કર્મોનો બંધ તો નિરંતર ચાલે છે, કદાચ તમે શુભભાવ કરો તો અઘાતીમાં પુણ્ય પ્રકૃતિનો બંધ થાય, પણ કર્મ તો બંધાય છે, એટલે એ પણ પાપ તો છે. શ્રી આનંદઘનજી કહે છે,
ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠ્ઠાઈ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ના સાથ.
-શ્રી આનંદઘનજી કૃત શ્રી અભિનંદનજિન સ્તવન આ ઘાતી ડુંગરો ઘણા આડા છે. ઘાતી એટલે ઘાત કરનારા, અને તે મોહનીય કર્મ છે. તો, આત્માની શુદ્ધતા, પાપરહિત દશા એ જ મોક્ષ છે. તે જાય તો અરિહંત પદ પ્રગટે. ઘાતી કર્મ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યનો ઘાત કરે છે, જે આત્માના મૂળ ગુણો છે. તેથી તે ઘાતી કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગુદર્શન વગર એ પ્રયત્ન થવાનો નથી. માટે પહેલો પ્રયત્ન સમ્યગુદર્શનનો કરવો જોઈએ. સમ્યગદર્શન થવાથી દર્શનમોહ જાય છે. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ ક્રમે ક્રમે જાય છે અને દર્શનમોહ તેમજ ચારિત્રમોહનો નાશ થવાથી ઘાતકર્મનો નાશ થઈ જાય છે. આનો પ્રયત્ન કરો. “સાહેબ! હું તો સેવા બહુ કરું, ગમે ત્યાં હું સેવામાં હું દોડ્યો જાઉં, વગર બોલાવ્ય, રાત-દિવસ. ઘરમાં પણ હું બધાની સેવા જ કરું.” જ્ઞાની કહે છે, “અલ્યા! તારા આત્માની તો સેવા કર!' જીવ સેવા કે પરોપકારના નામે બહિર્મુખ જ રહ્યા કરે છે. ધર્મની ક્રિયાઓના નામે પણ બહિર્મુખ જ રહ્યા કરે છે. તો તેણે સેવા કરી કે નુક્સાન કર્યું? શું કર્યું? કોની સેવા કરી? આ તો ઘાતી કર્મોની સેવા કરી. જેને તોડવાના હતા એની સેવા કરી. ખરેખર તો ઘાતી કર્મો તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ.