________________
૧૬૮
શું સાધન બાકી રહ્યું ?
ગાથા - ૪
અબ ક્યોઁ ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ?
જ્ઞાની ભગવંતો કહે છે કે હવે થોભો, બહુ દોડ્યા; ને વિચાર કરો કે આટલા બધા સાધનો અનંતકાળમાં અનંતવાર કર્યા છતાં નિષ્ફળ કેમ ગયા ? એવું શું કરવાનું બાકી રહી ગયું કે જેના કારણે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા. કંઈક સાધન રહી ગયું છે. અત્યાર સુધી જે સાધન કર્યા એ બધા તારી કલ્પના અનુસાર કર્યા, સ્વચ્છંદથી કર્યા કે કોઈ અજ્ઞાનીના કહેવાથી કર્યા, પણ જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે કર્યા નહીં. એટલે આ તારું રખડવાનું આજ સુધી ચાલુ રહ્યું છે. સદ્ગુરુ વગર જ્ઞાન નથી. આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ મળે અને તેમની આજ્ઞા અનુસાર જીવ પુરુષાર્થ કરે તો તેને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો, અનાદિકાળથી આપણે ઘણું મથ્યા, પણ કાંઈ એવી સિદ્ધિ થઈ નહીં.
ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.
આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આરાધ્યા વગર આત્મજ્ઞાન ઊપજતું નથી. જેમને પણ આત્મજ્ઞાન થયું છે તેમણે વર્તમાનમાં કે પૂર્વેમાં જ્ઞાનીઓની આજ્ઞા આરાધી છે, ગુરુની આજ્ઞા આરાધી છે. કોઈને પૂર્વ ભવમાં થયું હોય અને આ ભવમાં તેને જાતિસ્મરણ દ્વારા અનુસંધાન થઈ જાય. પ્રાયે વર્તમાન ભવમાં જો આત્મજ્ઞાનીનો યોગ થાય અને જીવ આજ્ઞાંકિતપણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ કરે તો અવશ્ય તેને કાર્યની સિદ્ધિ થઈ જાય છે અને ગુરુ વગર તમે ગમે તેટલા મથો તો પણ ક્યારે પણ કાર્ય નહીં થાય, ભલે તમે ગમે તેટલા ભણેલા હોવ, ગણેલા હોવ, શાસ્ત્રના અભ્યાસી હોવ, તપસ્વી હોવ, ત્યાગી હોવ, ક્રિયાઓ કરતા હોવ, અનેક પ્રકારની સાધના કરતા હોવ, પણ ઉપયોગને કેમ ઘર ભેગો કરવો એ કળા ગુરુ પાસેથી મળે છે.
એક પહેલવાન હતો. તે બધાને કસરતના દાવ શિખવાડતો. તેમાં એક શિષ્ય જરા બળવાન અને હોંશિયાર હતો. એટલે ગુરુએ બધી કળાઓ તેને શિખવાડી. પછી શિષ્યએ ઘણા વર્ષો સુધી ઘણા પહેલવાનોને પછાડી નાંખ્યા. પછી એને અહંકાર આવ્યો અને ગુરુને કહ્યું કે હવે આપણે બે જ અજિત છીએ. આપણને બે ને કોઈ જીતી શકે તેમ નથી. હવે આપણા બન્નેમાં કોણ