________________
૧૭૬
શું સાધન બાકી રહ્યું ? આસવ-બંધ જ રહેવાનો અને એનું ફળ દુઃખ જ રહેવાનું. એ મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. સમ્યગ્દર્શન વગર બધી સાધનાની આ સ્થિતિ છે, સમ્યગ્દર્શન એટલે સાચી શ્રદ્ધા. સ્વરૂપનું સમ્યક્ પ્રકારે અવલોકન થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન થાય એનું નામ સમ્યજ્ઞાન છે અને એ બન્ને દ્વારા સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા થાય એનું નામ સમ્યક્ચારિત્ર છે અને એ ત્રણેની અભેદતા મોક્ષમાર્ગ છે. આ સિવાય ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. બીજી ધર્મની ક્રિયા કરો ને મોક્ષમાર્ગ માનો એનું નામ મિથ્યાત્વ છે. રત્નત્રયની અભેદતા વગર બીજી અનેક પ્રકારની સાધના કરીએ અને મોક્ષમાર્ગ માનીએ એનું નામ મિથ્યાત્વ છે, એનું નામ જ અજ્ઞાન છે. માટે સદ્ગુરુની જરૂર હંમેશા પડે છે. સદ્ગુરુ
એટલે આત્મજ્ઞાનના નિષ્ણાંત.
એક ભાઈની ગાડી રસ્તામાં બગડી અને બંધ પડી ગઈ. તેમણે ચાલુ કરવાનો થોડોક પ્રયત્ન કર્યો, પણ ગાડી ચાલુ ના થઈ. એટલે તેમણે એક મિકેનીકને બોલાવ્યો. મિકેનીકે જોયું તો એક વાયર નીકળી ગયો હતો. તે તેણે ફીટ કરી દીધો. આ કામ પેટે તેણે એક હજાર રૂપિયા માંગ્યા. એટલે પેલા માણસે કહ્યું કે એક વાયર ફીટ કરવાના આટલા બધા પૈસા ? મિકેનીકે કહ્યું કે મેં ફક્ત વાયર ફીટ નથી કર્યો, પણ ગાડી ન ચાલવાનું કારણ શોધ્યું છે. બસ એ કનેક્શન જોડવાના જ એક હજાર હતા. એમ ઉપયોગનું કનેક્શન જોડવા માટે જ ગુરુગમ છે. ગુરુ તો કનેક્શન કરવાના પૈસા પણ નથી લેતા કે કોઈ વસ્તુ પણ નથી લેતા. ગુરુગમ વગર કનેક્શન થતું નથી અને થાય તો ગુરુનું કે ભગવાનનું માહાત્મ્ય ન રહે, ધર્મનું માહાત્મ્ય પણ ન રહે. વર્ષ સાધન બાર અનંત કિયો
યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય આ બધા સાધનો આપણે અનંતવાર કર્યા તો પણ હાથમાં કંઈ આવ્યું નહીં, એનો અર્થ એ કે હજી કંઈક બાકી રહે છે. એ ખૂટતી કડી ઉમેરવા માટે ગુરુ જોઈશે.
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા !
ભોમિયા વગર ડુંગરાઓમાં, જંગલોમાં જશો તો ક્યાંક અટવાઈ જશો. જંગલમાં ભૂલી ગયા તો બહાર કોણ કાઢે ? ભોમિયો હશે તો કાઢશે અને તમે જેમ જેમ નીકળવા જશો તેમ તેમ વધારે ફસાતા જશો. કેમ કે, જંગલમાં હજારો કેડીઓ હોય છે એમાં કઈ કેડી મેઈન રોડ પર લઈ જાય છે, એ તમારા જ્ઞાનમાં નથી. ગમે તે કેડી પકડીને તમે ચાલશો તો મેઈન રોડ આવવાનો નથી. માટે,