________________
૨૦૮
શું સાધન બાકી રહ્યું? આજ્ઞાનું આરાધન કરવાનો જેણે દઢ નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે ભલે ડુંગર પરથી ભૂસકો મારીને મરી જઉં, પણ હવે આજ્ઞા પર પગ મૂકીને ચાલુ નહીં. અત્યાર સુધી ગુરુને માન્યા છે, પણ ગુરુની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યા છીએ. આ ભૂલ આપણી અનાદિકાળથી થઈ રહી છે. એ ભૂલને આ ભવમાં સુધારવાની છે. ભૂલનો અભાવ કરશો તો ભવનો અભાવ થશે. આપણા કલ્યાણ માટે આજ્ઞા કરી છે. એમને કંઈ લેવું નથી આપણી પાસેથી પણ આપણા કલ્યાણમાં બાધક છે એ બાધક વસ્તુનો ત્યાગ કરવા માટેની આજ્ઞા છે, જેનાથી આપણું કલ્યાણ થાય છે. આપણને અત્યારે એ સમજાતું નથી. નાનું બાળક હોય અને છરી કે ચપ્પાથી રમતું હોય તો તેના મા-બાપ ધોલ મારીને પણ એના હાથમાંથી તે લઈ લે છે, રમવા દેતા નથી. કેમ કે એ બાળક છે. એ પોતાને પણ વગાડશે ને બીજાને પણ વગાડશે. તેમ જ્ઞાનીઓ તમને જે નુક્સાનકારક હોય છે તે કડક થઈને પણ છોડાવી દે છે કે આ નહીં છોડો તો તમે મારી સાથે નહીં. માટે, આજ્ઞા એ સ્વચ્છેદ તોડવાનું બળવાન હથિયાર છે અને સ્વચ્છંદ ખસ્યા વગર આત્મકલ્યાણ થઈ શકે નહીં.
રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૫ એટલે કે જીવ પોતાની કલ્પના પ્રમાણે ચાલવાનું બંધ કરે, રોકે. જો સ્વચ્છંદ રોકે, આજ્ઞાંકિત થાય તો અવશ્ય મોક્ષને પ્રાપ્ત થાય. પૂર્વે અનંતા જીવ મોક્ષે ગયા છે તે બધા આજ્ઞાનું આરાધન કરીને ગયા છે, એમ જિન ભગવાને કહ્યું છે.
આચાર્યશ્રી વિદ્યાસાગરજીના સંઘમાં જોઉં છું કે બાથરૂમ જવું હોય તો પણ તેમની આજ્ઞા લઈને જાય છે. જો કોઈ આજ્ઞાને ગૌણ કરી નાંખે તો આચાર્યશ્રી એને આજ્ઞા આપવાનું જ બંધ કરી દે. બીજી બધી ક્રિયા સાથે કરે, પણ આજ્ઞા ન આપે કે તમે આમ કરો કે આમ કરો. આચાર્યશ્રી ક્રોધ કષાય ના કરે, પણ આજ્ઞા આપવાનું બંધ કરી દે. કોઈ આચાર્યશ્રીને પૂછે કે સાહેબ! તમે કેમ આને આજ્ઞા આપતા નથી. તો કહે કે મારી આજ્ઞા માને એને હું આજ્ઞા આપું છું. આજ્ઞા ના માને એને હું આજ્ઞા આપતો નથી. બહુ વધારે સ્વચ્છેદ કરે તો તેને સંયમમાંથી છોડી દે. કપડાં પહેરાવી દે કે ભાઈ ! તમે કપડાં પહેરી લો ને પછી તમારે જે કરવું હોય તે કરજો. મારા સંઘમાં આ પ્રમાણે નહીં ચાલે.