________________
૭૧
ભક્તિના વીસ દોહરા અને ફોન આવે કે આ લેતા આવજો, તો આનંદથી લઈ આવે. બે આઈટમ વધારે લાવે, લાંબે જઈને બે ધક્કા ખાઈને પણ લઈ આવે. એમાં આનંદ આવે અને સંત કહે કે આ બે પાના જરા વધારે વાંચજો, તો કહે કે સાહેબ! આજે તો જરાય ટાઈમ નથી! બધે ટાઈમ મળે એને. બધાય ટાઈમનું કટીંગ સાધનામાં આવે. કુટુંબ ને ગૃહ આદિના કાર્યો ઘણા આનંદ સાથે કરું છું, પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંધન થવાથી દુઃખમાં લઈ જશે, એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગૃહવાસને ભાલા સમાન અને કુટુંબના કાર્યોને કાળ સમાન એટલે મૃત્યુ સમાન જાણે છે. શ્રી બનારસીદાસજીએ કહ્યું છે,
જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.
– શ્રી સમયસાર નાટક - બંધદ્વાર - ૧૯ જ્ઞાની પુરુષો ગૃહવાસને ભાલા સમાન જાણે છે. ભાલા ભોંકાય ત્યારે કેવું દુઃખ થાય? એવું દુઃખ સમ્યક્દષ્ટિને ઘરના કાર્યો કરવામાં આવે છે. તે કુટુંબના કાર્યોને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. મૃત્યુ વખતે જે વેદના થાય એવી વેદના કુટુંબના કાર્યો કરતી વખતે એમને થાય છે. એવી વેદના હે પ્રભુ ! મને થતી નથી. અજ્ઞાની જીવ નકામી વાતોમાં વખત કાઢી નાખે છે. ઘણી વખત જૂના સંબંધી વાતચીત કરવા આવ્યા હોય તે બે-બે, ચાર-ચાર કલાક કાઢી નાંખે. આપણે કહીએ કે હજી મારે ઘરનું કામ બાકી છે, તો કહે કે એ તો રોજનું છે, થશે. ફરી ક્યારે મળીશું? “મૂકને બાપુ! તારો સમય શું કરવા બગાડે છે? બ્રહ્મચારીજી કહેતા કે આ અરીસામાં જોઈને કલાક ખોટી થાય. તેઓ તો કલાક લખે છે, પણ ખરેખર તો કલાકો ખોટી થાય છે. અરીસા પાછળ અજ્ઞાની જીવોના બે-ત્રણ કલાક તો જતા હશે. ઘરના કાર્યોમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મધ્યાન વગેરે કામ કરાવવું. ઘરના કામમાં જરૂર પૂરતો વખત આપો. ઠીક છે, કરવું પડે છે. જવાબદારી લઈને બેઠા છીએ એટલે કરવું પડે. આત્માર્થે બને તેટલું ખોટી થવું. આત્માના હિતમાં બને તેટલો સમય વધારે આપવો.
****