________________
૧૦૮
ભક્તિના વીસ દોહરા '
એ પ્રકારના ભાવ છોડી દે. જાગૃત હોય તો કોઈના લગ્ન થાય ત્યાં વૈરાગ્ય થાય. કોઈના લગ્નમાં જવાનું થાય ને જાન જતી જોઈએ તો વૈરાગ્ય થવો જોઈએ. કેવી રીતે વૈરાગ્ય થાય? કે આ જીવને જન્મટીપની સજા થઈ રહી છે અને પેલા મહારાજ ચાર વખત કહે છે કે સાવધાન – સાવધાન – સાવધાન પણ હજી આ સાવધાન થતો નથી. જો હું સાવધાન ના રહું તો મને પણ સજા થવાની છે.
રાગના પ્રસંગને પણ વૈરાગ્યમાં ફે૨વે એનું નામ આત્માર્થી. જેને વિશેષ વૈરાગ્ય થાય છે એ એકાંતમાં જતા રહે છે. બધા સંગ ઓછા કરી નાખે છે. એક પરમાત્મા અને આત્મા એ બેનો સંગ અને બહુ બહુ તો આત્મકલ્યાણ કરનારા જે કોઈ મુમુક્ષુઓ હોય, સાધકો હોય એનો સંગ. પણ અજ્ઞાનભાવમાં ધારો કે એકાંતમાં ગયા તો પાછો ત્યાં પણ ક્યાંક તો રાગ કરવાનો કે આ ઝાડ ઊંચું નથી, આ ઝાડ વાંકું છે, આ ગુફામાં આમ છે, ભગવાને આવી સરસ ગુફા બનાવી પણ આ એક પથરો સીધો મૂક્યો હોત તો શું વાંધો હતો, બેસવા તો કામમાં આવત ! અરે ભાઈ ! જેમ છે તેમ છે, એમાં કાંઈ ફેરફાર કર્યા વગર બેસી જા ને. ભરતજીને હરણમાં રાગ થઈ ગયો, તો એક ભવ વધી ગયો. એટલે બીજા ભવમાં એ જડભરત થઈને મૌન રહ્યા.
આત્માની પ્રાપ્તિ માટે જીવને જ્યારે તીવ્રભાવ થયા હોય તે વખતે જ્ઞાનીઓનો કે કોઈ ઉત્તમ નિમિત્તનો યોગ થઈ જાય અને એમનો બોધ જો જીવ ગ્રહણ કરે તો એનો વૈરાગ્ય વધે. જ્યારે ઘરમાં કોઈ ગુજરી ગયું હોય તે સમયે તમે જ્ઞાનીઓનો બોધ સાંભળો તો તમારો વૈરાગ્ય વધી જશે. તેઓ અનિત્ય ભાવના, અશરણ ભાવનાનું વર્ણન કરે ત્યારે એક તો વૈરાગ્ય તો હતો જ અને એમાં વૈરાગ્યની વાત કરે તો વૈરાગ્ય ઓર વધી જાય. એ વખતે કામ થઈ જાય. લોઢું લાલ થયું હોય અને એના ઉપર ઘણના ફટકા મારે તો ઘાટ ઘડાઈ જાય. પણ ઠરી ગયા પછી તમે સો ઘણના ફટકા મારો તોય ઘાટ ઘડાય નહીં. જ્ઞાનીઓનો બોધ મળ્યો હોય, યોગ થયો હોય તો સ્વચ્છંદ મૂકી દેવો જોઈએ. પરમકૃપાળુદેવે કહ્યું છે,
રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. • શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૫
―
સ્વચ્છંદ છોડ્યા વગર કલ્યાણ થવાનું નથી. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડવું. બધુંય મૂકી અને એક સદ્ગુરુના શરણે જઈ એમની આજ્ઞા પ્રમાણે ચાલવું. તેઓ તમને કહે કે તમે જે આ ધંધો કરો છો તેમાં જે ચોરી