________________
શું સાધન બાકી રહ્યું ?
૨૨૫
તે ભાગ્યશાળી જીવ પરમાત્મ સ્વરૂપ, નિરંજનદેવ, આત્માના આનંદ સ્વરૂપમાં રમણતા કરે છે. ગહિ જોગ જુગોજુગ સો જીવહી.
એવા પામેલા યોગીઓ યુગોયુગ એટલે અનંતકાળ સુધી અમર થાય છે. બસ, હવે એને જન્મમરણના ફેરા ટળી જાય છે. જેને જન્મ જ નથી તેને મરણ શું? શ્રીમાન્ આનંદઘનજી કહે છે,
અબ હમ અમર ભયે ના મરેંગે,
યા કારણ મિથ્યાત દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે.
સમકિત થયા પછી ક્રમે ક્રમે પૂર્ણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રમાણે થાય છે. માટે, સમકિતનું મૂળ સત્પુરુષ છે અને તેની પ્રાપ્તિનું કારણ તેમની આજ્ઞાનું આરાધન છે અને તેમના પ્રત્યે પરમભક્તિ એટલે પરાભક્તિ છે. આત્માનું અને પરમાત્માનું એકરૂપે થઈ જવું તે પરાભક્તિ કહેવાય છે. ગોપીઓને કૃષ્ણ ભગવાન પ્રત્યે આવી પરાભક્તિ હતી.
એક વખત રુક્મણીજીએ શ્રીકૃષ્ણ મહારાજને કહ્યું કે તમે લગ્ન મારી સાથે કર્યા છે અને પ્રેમસંબંધ ગોપીઓ સાથે વધારે રાખો છો ! શ્રીકૃષ્ણ મહારાજ કહે કે તમે ચાલો મારી સાથે એક વખત. પછી ગોપીઓ જ્યાં સૂતી હતી ત્યાં રુક્મણીને લઈને ગયા. તો ગોપીઓના વાળમાંથી કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ એવો અવાજ નીકળે. રુક્મણીને કીધું કે તમારા માથાના વાળમાંથી આવો અવાજ આવે છે ? તો સાચો પ્રેમ આમનો છે કે તમારો છે ? ને હું તો પ્રેમને આધીન છું.
આવો પ્રેમ સત્પુરુષમાં થાય તો જીવનો બેડો પાર થઈ જાય છે. પછી સત્પુરુષનું એક વચન પણ એ સમ્યક્ પ્રકારે અવધારણ કરી લે તો એનું કામ થઈ જાય છે. પછી લાંબા બોધની એને જરૂર પડતી નથી.