________________
૧૯૮
શું સાધન બાકી રહ્યું ?
(ગાથા ૬)
તનસે મનસે, ધનસે, સબસે ગુરુદેવની આન સ્વ-આત્મ બસે
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનોં અજ્ઞાની જીવે અનેક જગ્યાએ પોતાનો પ્રેમ વેરી નાંખ્યો છે, ઢોળી દીધો છે. વધારે પ્રેમ મુખ્યપણે પોતાના શરીરમાં હોય છે. મનથી જગતના બધા પદાર્થો પર દોડાદોડ કરે છે. ત્યાં પ્રેમ રાખ્યો છે. એનાથી વધારે પ્રેમ ધનમાં છે. સ્ત્રી, પુત્ર, પૈસા, જગતના પદાર્થો સચિત્ત કે અચિત્ત, એના ઉપર પણ ઘણો પ્રેમ છે. સંસારની આવી અનેક વસ્તુઓમાં અજ્ઞાની જીવે પ્રેમ જોડેલો છે. એ અજ્ઞાન છે. એ બધાંય પ્રેમ કરતાં સર્વથી વધારે, અધિકપણે, પોતાની સર્વશક્તિથી સદ્ગરમાં પ્રેમ જોડાય તો કામ થાય. તમારા શરીર પર જેટલો પ્રેમ કરો છો એનાથી અનેકગણો વધારે પ્રેમ સદ્ગુરુ ઉપર કરો. જગતના પદાર્થ ઉપર જે તમને પ્રેમ આવે છે એના કરતાં અનેકગણો પ્રેમ મોક્ષમાર્ગમાં સદ્ગુરુ અને ભગવાન પ્રત્યે કરો તો કામ થાય. પ્રેમના કારણે આસક્તિ થાય છે, મોહ થાય છે અને જીવનો સ્વભાવ અનાસક્તતાનો છે. તે અનાસક્તપણું છૂટી જાય છે. તમે ગમે તેટલો પ્રેમ સદ્ગુરુ પ્રત્યે કરશો, સદ્ગુરુને તમારા ઉપર મોહ નહીં થાય. કેમ કે, સદ્ગુરુ જ્ઞાની છે. તેઓ વાત્સલ્ય રાખશે, પણ રાગ નહીં કરે અને સદ્ગુરુ તો નિઃસ્પૃહ હોય છે. તેમને જગતના કોઈપણ સુખ કે પદાર્થોની કોઈ ઇચ્છા નથી. ભક્તો કે શિષ્યો પાસેથી એમને કંઈ જોઈતું પણ નથી. જેને આત્માનો નિર્ણય થયો તેને આત્મા સિવાય બીજું કંઈ જોઈતું હોતું નથી. કેમ કે, કોઈ પદાર્થ આત્માને કામ આવતો નથી. કોઈ પદાર્થથી આત્માને સુખ કે શાંતિ મળતી નથી અને કોઈ પદાર્થ આત્માનો ક્યારેય થતો નથી.
અનાદિકાળમાં અનંતવાર આપણે મોટા દેવ થયા, રાજા-મહારાજા થયા. ઘણી પ્રોપર્ટી, રાજ્યો અને સંપત્તિ હતી. એ બધી મૂકીને અહીં આવ્યા ત્યારે કંઈ આપણી સાથે આવ્યું નથી અને આ ભવનું છે એ આપણી સાથે આવવાનું નથી. આ વાત બધાંયને ખબર છે, છતાં મોહ કેટલો છે! આનું નામ જ અજ્ઞાન છે. તો જેટલો પ્રેમ તમને શરીર ઉપર કે કુટુંબ ઉપર કે પૈસા ઉપર આવે છે એના કરતાં અનેકગણો પ્રેમ સદ્ગુરુ ઉપર આવશે તો સદ્ગુરુના બોધ દ્વારા તમારું હૃદય ભીંજાઈ જશે અને હૃદય ભીંજાશે તો તમારી આત્મદષ્ટિ થશે અને આત્મદષ્ટિ થશે તો જગતની દૃષ્ટિનું વિસ્મરણ થશે.