________________
૫૧૦
છ પદનો પત્ર (વ્યવહારથી). સંસારમાં જે કષાય થાય છે એ તો એટલા ભયાનક નથી જેટલા પરમાર્થ દૃષ્ટિમાં વિપરીત નિર્ણયમાં થાય છે. અસતમાં સત્ત્વનું સ્થાપન કરવું અથવા સત્નો વિરોધ કરવો, સત્ તરફ જુગુપ્સાભાવ આવવો એ અનંતાનુબંધી કષાય છે. એ તો સમજણમાં આવે ત્યારે ખ્યાલ આવે કે હું અને સત્ માનું છું કે અસતુ માનું છું અને સંસાર અવસ્થામાં જે કષાય થાય છે એનો પશ્ચાત્તાપ કરે. જાગૃત ઉપયોગ અને જ્ઞાન અનુસાર એનું સંક્રમણ કે નિર્જરા થાય. ના થાય એવું કાંઈ નથી, પણ જ્ઞાની કહે છે કે કરીને કરવું એના કરતાં ના કરવું એવું જ્ઞાન કરવું એ વધારે સારું છે. જે થઈ ગયું છે એનો પશ્ચાત્તાપ કરવાનો છે. ક્ષમાપના એના માટે તો છે ને! પ્રતિક્રમણ શેના માટે છે? પ્રાયશ્ચિત્ત શેના માટે છે? એના માટે તો છે, પણ સાચું પ્રતિક્રમણ અને સાચું પ્રાયશ્ચિત્ત કોને કહેવાય? સાચું સામાયિક કોને કહેવાય? એ આખો અધિકાર જુદો છે.
સામાન્ય ભાવથી પણ પ્રાયશ્ચિત્ત આવે તો ખોટું નથી. સાચું ભલે ના આવે, એના ભાવથી જેટલું સમજાય છે એ પ્રમાણે આવે તો એ પણ એ ભૂમિકામાં એના માટે સારું છે. કષાય કરીને બિલકુલ પ્રાયશ્ચિત્તનો ભાવ જ ના આવે, નમ્રતાનો ભાવ જ ના આવે એના કરતા સારો છે. જેને કષાય કરીને પણ પશ્ચાત્તાપ નથી થતો એ તો બિલકુલ ખોટો છે. કષાય કરીને, ખોટા ભાવ કરીને, ખોટા કાર્ય કરીને જેને થોડા ઘણા અંશે કે વધતા અંશે પશ્ચાત્તાપ થયો છે એ એની અપેક્ષાએ તો ઘણો સારો છે. દરેકને પોતાની ભૂમિકા અનુસાર થાય છે. કષાયનું ફળ આવ્યા વગર રહેતું નથી. પ્રત્યક્ષ તો ભોગવીએ છીએ. અશાતાનો ઉદય આપણે નથી ભોગવ્યો? કેમ આવ્યા છે? પૂર્વની ભૂલ કરી છે માટે. પૂર્વે આ જીવ રાગ-દ્વેષ અજ્ઞાનભાવે પરિણમ્યો છે. એનું તો આ ફળ છે. જયારે પૂર્વના બાંધેલા એ વર્તમાનમાં આપણને ફળ આપે છે, તો વર્તમાનમાં બાંધેલા આગળ ફળ આપે કે નહીં? અવશ્ય આપવાના. હવે નવા ના બંધાય એટલા તો જાગૃત થાઓ. આગળની વાત ગઈ. આગળનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. શ્રી નિયમસાર' ગ્રંથમાં ત્રણ વાત મૂકી છે કે (૧) પૂર્વના થયેલા દોષોનું પ્રતિક્રમણ (૨) વર્તમાનમાં જે દોષો થાય છે એની આલોચના અથવા પ્રાયશ્ચિત્ત (૩) ભવિષ્યમાં ના થાય એનું પ્રત્યાખ્યાન. (પાપથી પાછું ફરવું.)
અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં મેં આવા દોષો કર્યા, પણ હવે ભવિષ્યમાં હું નહીં કરી એની પ્રતિજ્ઞા કરું છું. આવું કરે ત્યારે સાચું પ્રાયશ્ચિત્ત કહેવાય. ભૂતકાળમાં થયા હોય એનું પ્રતિક્રમણ, વર્તમાનમાં થાય એની રોજ રોજ આલોચના અને ભવિષ્યમાં ન થાય એની ગુરૂસાક્ષીએ આજ્ઞાપૂર્વક પ્રતિજ્ઞા. હવે આ દોષો મારા જીવનમાં હું જીવીશ ત્યાં સુધી ના થાય એની જાગૃતિ રાખીશ અને થશે તો આ પ્રમાણે હું પ્રાયશ્ચિત્ત લઈશ. ના થાય એવું કાંઈ નથી.