________________
૬૧૪
ત્રણ મંત્રની માળા
થશે તો ચાલશે, તપ-ત્યાગ અત્યારે નહીં થાય તો ચાલશે પણ આવું અકિંચનપણું, એકાકીપણું નહીં ભાસે તો નહીં ચાલે.
પહેલામાં પહેલી સાધના આ છે કે આપણે આપણા સ્વરૂપને એકાકીપણે જોતા શીખીએ. જગતનો કોઈ પદાર્થ તમને સુખ કે દુઃખ આપવા માટે શક્તિમાન નથી અને થઈ શકે તેમ પણ નથી. છતાંય તમે એમ માનો કે મને આણે સુખી કર્યો, આણે મને દુ:ખી કર્યો, આ ના હોત તો મને સારું હતું, આ હતું માટે મારું બધું કામ બગડી ગયું – એ બધા અજ્ઞાનતાપૂર્વકના જે વિકલ્પો ચાલે છે તે આ સમ્યગ્દર્શનને મોટા બાધક થાય છે. પરનું કર્તૃત્વપણું, પરનું ભોક્તત્વપણું, ૫૨માં અહમ્પણું કે પ૨માં મમત્વપણું અને ૫૨માં ઈષ્ટબુદ્ધિ કે અનિષ્ટબુદ્ધિ આ બધાય મિથ્યાત્વના સરદારો છે. આ જગતમાં આ આત્માને જગતનો કોઈ જીવ કે પદાર્થ ઈષ્ટ નથી, આત્માનું હિત કરી શકે તેમ નથી, આત્માને સ્પર્શી શકે તેમ નથી કે આત્માને સ્વભાવ કે વિભાવરૂપે પરિણમાવી શકે તેમ નથી; છતાંય અમુક જીવો કે અમુક પદાર્થો મને ઈષ્ટ છે એમ માનવું તે દેહની અપેક્ષાએ કહ્યું છે અને દેહ તો તમે છો નહીં. જેને દેહાત્મબુદ્ધિ છે તે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે. તેને દેહાધ્યાસ છૂટી ગયો છે એને હવે કોઈ ઈષ્ટ પણ નથી અને કોઈ અનિષ્ટ પણ નથી. એ તો જે બનાવો બને તેને માત્ર જાણનાર-દેખનાર હું આત્મા છું એમ જુએ છે. ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્રમાં સાક્ષીભાવે રહેવાની, જીવવાની એક કળા બતાવેલી છે. વારંવાર એ જાપને જપવાથી મનની શુદ્ધિ થાય છે અને એ શુદ્ધ થયેલું મન, ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે. મનની શુદ્ધિ માટે જાપ જરૂરી છે, છતાંય કોઈ પણ સવિકલ્પ અવસ્થામાં કરેલી પ્રવૃત્તિ આસ્રવ-બંધનું જ કારણ છે અને સવિકલ્પતામાંથી નિર્વિકલ્પતામાં પરિણમી જાય એ જ મંત્રનું પ્રયોજન છે.
મંત્ર દ્વારા ધ્યાનનું પ્રયોજન શું છે ? સવિકલ્પ અવસ્થામાંથી નિર્વિકલ્પ અવસ્થામાં જવું. નિર્વિકલ્પ અવસ્થા એટલે શું ? બીજા બધા વિકલ્પો છોડી ઉપયોગ એકમાત્ર આત્માની અંદર જ શાંત અને સ્થિર થાય. આનું નામ નિર્વિકલ્પ અવસ્થા છે, નિર્વિચાર અવસ્થા નહીં. વિચારપણું તો ત્યાં છે. છેક શ્રેણીમાં ચઢેલા જીવને પણ વિચારો તો ચાલે છે, એકત્વવિતર્ક વિચાર, પૃથવિતર્ક વિચાર આ બધા વિચારો તો શુક્લધ્યાનની શ્રેણીમાં પણ હોય છે, એટલે નિર્વિચાર દશા નથી. નિર્વિકલ્પ દશા જુદી છે. નિર્વિકલ્પ એટલે આત્મા સિવાયના બીજા કોઈપણ વિકલ્પ નથી. માત્ર આત્માનું જ ચિંતવન, આત્માનું જ મનન, આત્માનું જ ધ્યાન, આત્મામાં ઉપયોગની સ્થિરતા. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ નિર્વિકલ્પતા છે. આ મંત્રના માધ્યમથી આપણે સ્વરૂપ અનુસંધાન કરી આત્માની પ્રાપ્તિ કરવાની છે. હાલતાં-ચાલતાં, બેસતાં-ઉઠતાં, લેતાં