________________
૪૦૨
ક્ષમાપના
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. માટે તેમાં ચિત્ત રાખો. આપણું ચિત્ત થોડીવાર ભગવાનમાં જાય ને પાછું બહાર જાય. ૯૯ ટકા તો બહાર જ જાય છે. એક ટકો માંડ ભગવાનમાં જતું હશે. બાકી તો ધર્મના નામે દોડાદોડ છે બધી. આને પમાડી દઉં ને આટલાને પમાડી દઉં. બીજાને પમાડવાની કર્તુત્વબુદ્ધિ તે અજ્ઞાન છે, જ્ઞાન નથી. સહેજે સહેજે થતું હોય તો બરાબર છે. કેમ કે, પ્રભાવના સહેજે સહેજે થાય છે... "
હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. પોતાના આત્માનું હિત થવા માટે ક્ષમાપના કહી છે. આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. હું ક્ષમા માંગુ ને મારા કર્મો ખપી જાય તો મને સંસારના સુખ મળે, એના માટે કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંધથી મુક્ત થવાય, દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મોથી મુક્ત થવાય એના માટે કરી છે. ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને ખરા ભાવથી કરી છે. મોદી જીવની ક્ષમાપના પણ બનાવટી, ભગવાનની ભક્તિ પણ બનાવટી, જે કંઈ સાધના કરે છે એ બધી નકલી, અસલી નહીં. દુઃખ ના આવે એના માટે તે કરે છે, પણ મારા આત્મામાં સુખ છે અને હું એમાં રહું તો મારે દુઃખ નહીં આવે એ દષ્ટિ હજી જીવની થઈ નથી. પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં તો આવે, પરંતુ તે વખતે રાગ-દ્વેષ ન કરતાં સમતા રાખું, જેથી ફરી તેવા કર્મન બંધાય, એમ ભગવાન પ્રત્યે યાચના છે, બીજું કંઈ ઇચ્છવું નથી. પાપના ઉદયમાં પણ શાંતિ અને ક્ષમા રાખવી, પુણ્યના ઉદયમાં પણ શાંતિ અને ક્ષમા રાખવી; કોઈપણ ઉદય હોય, આખરે છૂટવાનું હથિયાર તો સમતા અને વીતરાગભાવ છે. એ સિવાય કોઈ જીવ છૂટી શકે નહીં. ચોવીસ કલાક મંદિરમાં રહે, ગમે તેટલી ધર્મની ક્રિયા કરે પણ જો પોતાનો વીતરાગભાવ અંદરમાં પ્રગટ ના કરે તો તેના આત્માનું કોઈ રક્ષણ કરી શકે નહીં. દરેકનો રક્ષક પોતાનો વીતરાગભાવ છે. ક્ષમાપના એ પ્રાર્થના રૂપ છે, યાચના રૂપે છે. સાધક ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન ! મેં આ દોષો કર્યા છે, હવે ફરીથી એ દોષો ના થાય અને તમારું શરણ તેમજ સ્મરણ રહે અને તમે જેવી અંતર્મુખતાની સાધના કરી એવી હું કરું અને ક્ષમા રાખું.
ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.