________________
પ૪૫
છ પદનો પત્ર
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે.
' – શ્રી દેવચંદજી કૃત મહાવીરજિન સ્તવન ત્યાગ વિરાગનચિત્તમાં, થાયનતેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ જેના ચિત્તમાં ત્યાગ કે વૈરાગ્ય નથી એ જીવને જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. માટે વૈરાગ્ય તો જોઈશે. વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ભોમિયો છે.” વૈરાગ્ય વગરના બધાય સાધન ફીકા. વૈરાગ્ય હશે તો એક થોડું સાધન પણ મોક્ષના હેતુભૂત થશે. કોઈપણ જગ્યાએ જઈએ તો જ્યાં જ્યાં રાગ આવે ત્યાં જ્ઞાન સતર્ક થઈ જાય કે આ રાગ કરવા જેવો નથી. આ રાગ મારા વૈરાગ્યને ખાઈ જાય છે. મારા વૈરાગ્ય વગર દશાવૃદ્ધિ થતી નથી. જ્યાં પાર્ટીઓ છે, બહુ મેળાવડાઓ છે, બહુ વધારે માણસોને હળવું મળવું છે, લૌકિક પ્રસંગો છે – જો એવા જ રસથી મહાલીએ તો આપણો વૈરાગ્ય વધે નહીં. જેમ કોઈના ઘેર મરણ થઈ ગયું હોય તેને તમે સારું ભોજન પરાણે ખવડાવો તો કદાચ ખાઈ લે, પણ રાગથી નહીં ખાય, વૈરાગ્યથી ખાશે. કોઈ સ્ત્રીને તેના પતિનો વિયોગ છે તો સાંસારિક પદાર્થો તેને સુખના કારણ બનતા નથી. કેમ કે, એને અત્યારે વૈરાગ્ય છે. જો કે, આ તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે, પણ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે એ તો જુએ છે કે, કોઈ શણગારથી શરીરની શોભા કે આત્માની શોભા નથી. શરીરની શોભાથી પણ આત્માની શોભા નથી કે ઈન્દ્રિયના વિષયોથી પણ આત્માને કોઈ સુખ નથી કે બહારમાં કોઈ પદાર્થ મળી જાય એનાથી પણ આત્માને લાભ નથી. માટે જગતના કોઈપણ પદાર્થ ગમે તેટલા મળે કે એને અનુકૂળ થઈને આવે તો પણ એ મારા આત્માને હિત કરાવનાર નથી, એવું જ્ઞાન અંદરમાં જાગૃત હોય છે. એટલે જ્ઞાનીને પાંચ ઈન્દ્રિયના વિષયોને આકર્ષણ કરાવનાર પદાર્થો પુણ્યના કારણે આવે છે, છતાં પણ વૈરાગ્યના કારણે એના પ્રત્યે અનાસક્ત રહે છે, આસક્તિ રાખતા નથી. આ વૈરાગ્યની નિશાની છે.
આવો વૈરાગ્ય નિતરતો હોય, પાંચ ઈન્દ્રિયના વિષયોના જગતના કોઈપણ પદાર્થો હોય, એની સાથે રાગ સહિતનું જોડાણ ના હોય. આપણે ગૃહસ્થ દશામાં છીએ એટલે કાંઈ સંપૂર્ણ ત્યાગ નથી થઈ જતો, પણ ભોગ વખતે પણ યોગ સાંભરે, એ હળુકર્મીનું લક્ષણ છે. પાંચેય ઈન્દ્રિયોના ભોગ વખતે યોગ સાંભરે છે?