________________
૨૪૬
શું સાધન બાકી રહ્યું ?
કરતા રહે એટલે બધાય એમને વશ રહે. વિનય એ ઉત્તમ મંત્ર છે. આ વાત લખી રાખો હૃદયમાં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. દેવ-ગુરુ-ધર્મનો વિનય જેટલો ઉત્કૃષ્ટ થાય તેટલા અલ્પ સમયમાં તેનું કામ થઈ જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પહેલો જ અધિકાર વિનયનો છે. ગુરુનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. વિનયથી શ્રેણિક રાજાને વિદ્યા ફળી. મોક્ષમાર્ગમાં મોક્ષમાર્ગી જીવો પ્રત્યે, સાધકો પ્રત્યે પણ વિનય કરો. સાધકો પ્રત્યે પણ ઈર્ષા નહીં કે ભાઈ ! આ તો અન્ય દર્શનવાળા છે અથવા આ બીજા ગ્રુપના છે. બીજાની ઇર્ષા નહીં, બીજા પ્રત્યે દ્વેષ નહીં, બીજા પ્રત્યે વેરબુદ્ધિ નહીં, બીજા પ્રત્યે અહંકાર નહીં. કોઈપણ નાતનો હોય, જાતનો હોય, ધર્મનો હોય પણ ગુણીજનોનો વિનય કરો.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે.
શત્રુનો પણ વિનય કરો. શત્રુને મારવાનો નથી, શત્રુતાને મારો. આત્માના શત્રુ આ રાગ-દ્વેષ અને મોહ છે, તેને મારો. એમાં બધા દોષો આવી ગયા. એ શત્રુને મારો તો દરેક પ્રકારની શત્રુતાનો નાશ થઈ જશે. કોઈ પ્રત્યે શત્રુતાનો ભાવ જ નહીં આવે. કોઈ જીવ તમારા પ્રત્યે ગમે તેવું વર્તન કરતો હોય, જૂઠા આરોપ મૂકતો હોય કે તમને સતાવતો હોય, તો એમ ના સમજશો કે એ ખોટો છે. તમારો ઉદય છે એટલે એ નિમિત્ત થયો છે. કર્મના ઉદયમાં કોઈ ને કોઈ નિમિત્ત તો થવાનું. પુણ્યનો ઉદય હશે તો તેને અનુરૂપ નિમિત્ત તો આવવાના. માટે,
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ. ૧૦
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘શ્રી અપૂર્વ અવસ૨’
શત્રુ પણ આત્મા છે ને મિત્ર પણ આત્મા છે. બધાયને આત્મદૃષ્ટિથી જોશો તો શત્રુતા – મિત્રતાનો ભાવ નષ્ટ થઈ જશે. એનાથી આપણા આત્માનું કલ્યાણ છે. કોઈ પ્રત્યે તમે શત્રુતાનો ભાવ રાખ્યો, દુશ્મનીનો ભાવ રાખ્યો, કષાય કર્યા તો એનું નુક્સાન સામેનાને નથી, પણ તમને છે. કોઈનું પણ નુક્સાન પોતાના ભાવ બગડે ત્યારે છે. આપણા ભાવ બગડ્યા, તો