________________
૩૨૫
ક્ષમાપના
એમાંથી ફોટો પાડે. ફોટો પાડવાવાળો બધો સામાન લઈને આવ્યો. આચાર્ય ભગવાન જે રૂમમાં હતા તે રૂમમાં અંધારું હતું. એટલે ફોટોગ્રાફરે કહ્યું કે સાહેબ ! બહાર આવવું પડશે, તો ફોટો સારો પડશે. આચાર્ય મહારાજ કહે કે મને આખી જિંદગીમાં કોઈએ બહાર જવાની આજ્ઞા કરી નથી અને તે બહાર આવવાની આજ્ઞા આપી છે, તો ઠીક ભાઈ ! મેં એક વખત હા પાડી દીધી છે, એટલે મારે છૂટકો નથી. એમ કહીને બહાર આવ્યા. પછી બીજી આજ્ઞા કરી કે પેલા ઝાડની નીચે ઓટલો છે, ત્યાં બેસો. એટલે મહારાજ તો સામાન્ય મુદ્રામાં નીચું જોઈને બેઠા. તો કહે, ‘ઊંચું જોઈને બેસો, ટટ્ટાર બેસો.' આ ત્રીજી આજ્ઞા થઈ. પછી કહે કે પદ્માસનમાં બેસો. પછી મહારાજ કહે કે આ તારી છેલ્લી આજ્ઞા માનું છું, હવે તારી એકેય આજ્ઞા નહીં માનું. બધાએ કીધું, ‘પાડી લે ને જલ્દી, જેમ છે તેમ પાડી લે ને.’ ત્યારે એક ફોટો માંડ પાડ્યો. જોકે એનું પણ તેમણે પ્રાયશ્ચિત્ત લીધું હતું. બાર મહિના સુધી ફક્ત દૂધ અને ભાત ઉપર રહ્યા. પોતે જ પોતાને કહ્યું, ‘તું કેમ બધા ભક્તોને વશ થઈ ગયો ?’ બીજા કોઈ તો એમને કોઈ પ્રાયશ્ચિત્ત આપી શકે નહીં. એટલે પોતે જ ભગવાનની સાક્ષીએ આ પ્રાયશ્ચિત્ત લીધેલું.
આપણે આપણા ફોટા પડાવવા તલપાપડ હોઈએ છીએ, જ્યારે મહાપુરુષો તેનું પ્રાયશ્ચિત લે છે ! કારણ કે એમણે દેહાત્મબુદ્ધિ અંશે ટાળી છે અને સંપૂર્ણ ટાળવી છે. હવે તો પેન્સિલમાં, પેનમાં, નોટબુકમાં, કાગળિયામાં ભગવાનના, જ્ઞાનીપુરુષોના ફોટા મૂકવામાં આવે છે, પણ આ બધા કચરામાં જશે તો આશાતના થશે. ભગવાનના ફોટા આવી રીતે ના નંખાય. ભગવાનના ફોટાને બહુ સાચવવા પડે. અગાસવાળા તો રૂમમાં પણ ફોટા રાખવાની ના પાડે છે, રૂમમાં નહીં તમારા કબાટમાં રાખો. કેમ કે કોઈ ત્યાં આવીને સિગરેટ પીવે, બીડી પીવે, પાંચ ઈન્દ્રિયના વિષયોનું સેવન કરે તો દોષ લાગશે.
સમકિત ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય.
‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.’
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫
-
બધાય ગુણોનો અંશ અંદરમાં પ્રગટ થઈ જાય છે. પાંચ મણ દૂધપાક હોય અને એક ચમચીથી ચાખો તો પાંચ મણ દૂધપાકનું માપ નીકળી જાય. તેવી જ રીતે બસ એક વખત સમકિત થયું, અનુભૂતિ થઈ એની સાથે બધાય ગુણો અંશે સમ્યક્ થઈ ગયા. પરમકૃપાળુદેવે આ વ્યાખ્યા બહુ ઊંચી કરી છે. હજારો સૂત્રોનો સાર છે આમાં. સામાન્ય નથી આ. સમકિત