________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૫૩ મોક્ષમાર્ગમાં જીવને તત્ત્વની સાચી સમજણ ગુરુ દ્વારા મળે છે, એટલે આગ્રહમાં મંદતા થાય છે. એવા જ્ઞાનીપુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. આવા જ્ઞાનીપુરુષના આશ્રયે દેહ છૂટે તો સમાધિમરણ થાય. શ્રી સોભાગભાઈનો દેહ પરમકૃપાળુદેવના આશ્રયપૂર્વક છૂટ્યો અને ડુંગરશીભાઈનો પણ દેહ એમના આશ્રયે છૂટ્યો છે. આશ્રય એટલે બોધ. એમને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. મનુષ્યદેહની ખરી સાર્થકતા ત્યારે છે. જ્ઞાનીપુરુષના આશ્રય વગર દેહ છૂટે એ સાર્થક નથી. ભલે મનુષ્યભવ મળ્યો, નવકારમંત્ર બોલતા બોલતા દેહ છોડ્યો, પણ સાર્થક નથી. દેહાધ્યાસ છૂટીને દેહત્યાગ થાય એનું નામ સાર્થકતા કહેવાય. દેહાધ્યાસ છૂટે તો સાર્થકતા અને દેહાધ્યાસ ન છૂટે તો સાર્થકતા નથી.
એવા પુરુષના આશ્રયે – એવા રત્નત્રયધારી પુરુષના આશ્રયે - સપુરુષના આશ્રયે - સદ્ગુરુના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે, ભલે એ દૂરના ક્ષેત્રમાં હોય. એવું નથી કે આશ્રય હોય તો એમની પાસે જ હોય. એમની આજ્ઞાનું આરાધન કરે છે એ જ એમનો આશ્રય છે. એવા પુરુષના આશ્રયથી દેહ છૂટ્યો તો હવે વધારે દેહ ધારણ નહીં કરે. આમ, તેમનું જીવન પણ સાર્થક અને મરણ પણ સાર્થક, એમ જ્ઞાની પુરુષ કહે છે.
જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે.
જેને આત્મજ્ઞાન થયું, એના જન્મ-મરણના ફેરા મટી ગયા. હવે એ નજીકના ભવે મોક્ષે જવાના. જ્ઞાની પુરુષો માટે નિકટભવી હોય છે. તેમને આત્મજ્ઞાન થયું, એમને હવે અનંત સંસાર રહેતો નથી. અનુભવજ્ઞાન -સ્વસંવેદન જ્ઞાન - સમ્યફજ્ઞાન તેમના વિષે વર્તે છે. બીજા હજારો પંડિતો હોય કે ત્યાગીઓ હોય પણ જેમને સમ્યગુદર્શન નથી તેમને જન્મ-જરામરણને નાશ કરવાવાળું જ્ઞાન નથી. તેમના આશ્રયે દેહ છૂટે એ સાર્થક નથી. આવું જ્ઞાન જેમને વર્તે છે તેમના આશ્રયે દેહ છૂટે એ જ સાર્થક છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪, ૨૪