________________
ક્ષમાપના
૩૩૧
માટે સંસારના કાર્યોમાંથી, પદાર્થોમાંથી આપણી પ્રીતિ ખસતી નથી. ઉનાળામાં પંખા બંધ થઈ જાય અને મૂંઝવણ થાય તો તમે શાંતિથી સાંભળો? તરત ઊઠીને બહાર જતા રહો. કેમ કે, દુઃખ લાગ્યું. જેમ અહીં દુઃખ લાગ્યું ને હોલની બહાર નીકળો, તેમ સંસારમાં દુઃખ લાગે તો તમે સંસારમાંથી બહાર નીકળ્યા વગર રહો નહીં. ભ્રાંતિને કારણે દુઃખવાળી વસ્તુને સુખરૂપ માની ને સુખવાળી વસ્તુને દુઃખરૂપ માની. એનાથી ઉલટું થાય તો જ સંસારમાંથી પ્રીતિ જાય.
પ્રીતિ અનાદિની વિશ્વભરી, તે રીતે કરવા હો મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હો કહો બને બનાવ.
ઋષભ નિણંદશું પ્રીતડી.
– શ્રી દેવચંદ્રજી કૃત શ્રી ઋષભજિન સ્તવન કઈ પ્રીતિ વિષભરી છે? આ દેહ, સ્ત્રી, પુત્ર, સંસારના સુખ, પદાર્થો એ બધાની પ્રીતિ વિષયુક્ત છે. “વિષ મિલ્યો પકવાન.'તમને કોઈએ પકવાન ખાવા આપ્યું ને તમને બહુ ભાવે છે, ભૂખ પણ ઘણી છે અને પીરસ્યું છે પણ ઘણું, તમે ખાવ એટલી જ વાર છે અને કોઈ કહે હમણાં ઊભા રહેજો, કોઈ ખાતા નહીં. આમાંથી એક મરેલી ગરોળી નીકળી છે. તો, હવે ભૂખ્યા રહેશો, પણ પકવાન ખાશો નહીં કેમ કે વિષ મળેલું છે. એમ સંસારના જે કોઈ પદાર્થો છે એમાં પ્રીતિ કરવી એ મહાવિષ છે. મિથ્યાત્વનું ઝેર એ મહાવિષ છે. જયાં રાગ છે ત્યાં દુઃખ છે જ. રાગ જ દુઃખનું કારણ થાય છે, ચાહે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત. પ્રશસ્ત રાગ અલ્પ દુઃખનું કારણ છે અને અપ્રશસ્ત રાગ તીવ્ર દુઃખનું કારણ છે. કેમ કે, રાગ એ કષાય છે અને કષાયમાં દુઃખ જ હોય, સુખ ના હોય. જ્ઞાની પુરુષો સંસારમાં કેવી રીતે રહેતા હશે ! જુઓ! રહે છે છતાં રાગ નથી. લક્ષ્મીપુરાના રામજી બાપા હતા. રાત્રે ગામના માણસોને સત્સંગ કરાવે. સત્સંગ ચાલતો હતો તે સમયે ઓચિંતાનો એમનો દીકરો ગુજરી ગયો. એટલે ઘરેથી માણસ કહેવા આવ્યો કે આવું થયું છે. એક ભક્ત તેમના કાનમાં કહ્યું. તો તેમણે કહ્યું કે સત્સંગ પૂરો કરીને હું થોડીવારમાં આવું છું. સત્સંગ પૂરો થયા પછી તેમણે બધાને કહ્યું કે ઘરે એક મહેમાન આવ્યા હતા તેમને મૂકવા જાઉં . શું કહ્યું? મહેમાન આવ્યા'તા. જુઓ ! આ મહાપુરુષો ! નરસિંહ મહેતાએ કહ્યું હતું કે,
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો !
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫