________________
શું સાધન બાકી રહ્યું ?
૧૫૧
છે. એ તેના કાળ છે, દુશ્મનો છે. એટલે બને તેટલા તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. નહીં તો જેટલા અલ્પ કરી શકાય તેટલા અલ્પ કરવા તો જ આત્માનું કલ્યાણ બની શકે, નહીં તો નહીં બની શકે. સંસારમાં કંઈ સાર નથી. એમ લાગવા છતાં હજુ આત્મા પ્રાપ્ત થયો નહીં. પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૧૦માં કહ્યું છે,
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
એટલે ઘણી વખત સંસાર અસાર લાગ્યો. ઘરને છોડીને ઈડર જતો રહ્યો, પણ કોઈનો ફોન આવ્યો કે તરત જ સંસાર પાછો સારરૂપ લાગવા લાગ્યો. ગમે ત્યાં જાવ હિન્દુસ્તાનના કોઈપણ છેડે કે દુનિયાના કોઈપણ છેડે, કાગડા બધે જ કાળા છે. સંસારમાં સાર હોત તો કોઈ જ્ઞાની તો લખત. કોઈ જ્ઞાનીએ લખ્યું નથી કે સંસારમાં સાર છે. સંસારનો કોઈ પદાર્થ તમને સાચા સુખ-શાંતિ આપે છે? થોડા દિવસ થાય એટલે જીવ દરેકની ચિંતા કરે કે આનું શું થયું હશે? ને આમનું શું થયું હશે ? અરે બાપુ ! જેનું જે થવું હશે તે થશે. તું ચિંતા કરીશ તો પણ તેમની જે યોગ્યતા ને ઉદય હશે તે પ્રમાણે થશે. તારું હિત કરવું હોય તો તું કરી લે. જગતના અભિપ્રાયથી જીવ અનંતવાર ભૂલ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે ચાલે તો જ જીવ મુક્ત થઈ શકે, નહીં તો નહીં.