________________
પર
ભક્તિના વીસ દોહરા
નવકારમંત્રના જાપ દ્વારા મનની શુદ્ધિ કરો. ભગવાનની ભક્તિ દ્વારા મનની શુદ્ધિ કરો. એ શુદ્ધ થયેલું મન આત્મામાં સ્થિર થશે તો આત્મજ્ઞાન પ્રગટ કરાવવામાં કારણભૂત થશે. માટે શુભ ભાવ દ્વારા પહેલા મનની શુદ્ધિ કરો અને અશુદ્ધિ ટાળો. મન શુદ્ધ થાય એના માટે બળવાનમાં બળવાન કોઈ સાધન હોય તો નવકારમંત્રના એકાગ્ર ચિત્તથી જાપ અને ચિંતવન છે. કેમકે, જગતની અંદર સર્વોત્કૃષ્ટ પદ પંચપરમેષ્ઠિ ભગવાનનું છે. એમને નિષ્કામભાવથી દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરીએ તો પણ બધાય પાપોનો નાશ થાય છે.
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવ પણાસણો;
મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલમ્. સર્વ મંગલોમાં આ ઉત્તમ મંગલ છે. પંચપરમેષ્ઠિ ભગવાનને નમસ્કાર - વંદન કરવા, એમનું સ્મરણ - ચિંતવન કરવું, એમનો આશ્રય કરવો અને એમની આજ્ઞા પ્રમાણે ચાલવું તે સર્વોત્કૃષ્ટ પુણ્યનું કારણ થાય છે.
કંઈ ન આવડે અને આટલું કરો તો તેમાં ૧૪ પૂર્વનો સાર આવી જાય છે. ૧૪ પૂર્વધારીઓ પણ દેહ છોડતી વખતે નવકારમંત્રમાં ફક્ત “નમો અરિહંતાણ માં ઉપયોગ રાખી દેહ છોડતા હોય છે. જેને હજી ભવ બાકી છે અને ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર નથી થયો એવા શ્રતધારીઓ પણ “નમો અરિહંતાણં' કહીને દેહ છોડે છે. ઘણા મહાપુરુષોના જીવનચરિત્ર વાંચ્યા, તેમાં એમ હોય છે કે છેલ્લે તેમણે “ૐ નમ: સિદ્ધભ્યાઃ” બોલતાં દેહ છોડ્યો. કોઈએ ‘ૐ નમો અરિહંતાણં' અથવા “નમો સિદ્ધાણં' અથવા “નમો લોએ સવ્વ સાહૂણં' - આવા ભાવની અંદર દેહ છોડ્યો અને એમની ગતિ ઉત્તમ થઈ. ક્રમે ક્રમે એ મોક્ષના અધિકારી બન્યા. નવકારમંત્રના જાપ કરવા તે ભક્તિ છે. કોઈ પણ પ્રકારની માંગણી કર્યા વગર જાપ કરો. એમના સ્વરૂપને ઓળખીને જાપ કરો. અરિહંત પરમાત્માનું સ્વરૂપ શું હોય? સિદ્ધ ભગવાનનું સ્વરૂપ શું હોય? આચાર્ય - ઉપાધ્યાય અને સાધુ ભગવાનનું સ્વરૂપ શું હોય? એ બધું વિચાર કરીને વંદે તદ્દગુણ લબ્ધયે.
એક નવકાર મંત્રથી જીવ તરી જાય છે. કેમકે, સમસ્ત શ્રત એની અંદરમાં સમાવેશ પામેલું છે.