________________
ક્ષમાપના.
૨૬૯ મિથ્યાત્વના ગર્ભની અંદર અનંતી નરકો અને અનંતા ભવો તથા અનંતા દુઃખો રહેલાં છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એનું નામ મિથ્યાત્વ છે. એનું નામ અજ્ઞાન છે. હજારો શાસ્ત્રોનું જ્ઞાન હોય પણ આ સ્વસંવેદનજ્ઞાન, અનુભવજ્ઞાન ન હોય તો તે પણ અજ્ઞાન છે.
જો હોય પૂર્વભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ જે પંડિતો આત્મજ્ઞાની નથી તે અજ્ઞાની છે, સાધુઓ પણ જે આત્મજ્ઞાની નથી તે અજ્ઞાની છે. મોક્ષગામી નથી. આ બધા સંસારગામી છે. દરેક મિથ્યાત્વી જીવ શુભાશુભ ભાવો દ્વારા નિરંતર સંસારની જ વૃદ્ધિ કરતા હોય છે. આપણે ક્રોધ કરીએ, માન કરીએ, માયા કરીએ, લોભ કરીએ, રાગ-દ્વેષ કરીએ – આ બધી ભૂલો છે. પણ એ બધાની મૂળ ભૂલ કઈ? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પ્રથમ અહીંથી સુધારો કરવાનો છે, પછી બધું સુધરશે. જો અહીં સુધર્યું નહીં તો બહારમાં તમે ગમે તેટલું કરશો તોય સુધરવાનું નથી. ઝાડને મૂળથી ઉખાડો તો એ સૂકાય, પણ એના ડાળા-પાંદડાં કાપો તો ચોમાસું આવશે તો એ ફરીથી લીલુંછમ થઈ જશે. મિથ્યાત્વની મૂળ ભૂલ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તમે ગમે તે પ્રકારની સાધના કરો, તપ કરો, ત્યાગ કરો, ધર્મની ક્રિયાઓ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ભગવાનની સેવા કરો, પૂજા કરો, માળાઓ ફેરવો, હજારો ક્ષેત્રમાં જઈને જાત્રાઓ કરો, સાક્ષાત્ સીમંધર ભગવાનના સમવસરણમાં પહોંચી જાઓ, ગમે ત્યાં જાઓ, પણ જ્યાં સુધી મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી સંસારના દુઃખ ઊભા છે.
મિથ્યાત્વ-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ-આદિક ભાવ રે ! ભાવ્યા નથી પૂર્વે જીવે.
– શ્રી નિયમસાર - ગાથા – ૯૦ જે સંપ્રદાયમાં જન્મ્યો એ સંપ્રદાય પ્રમાણે ધર્મ કર્યો, પણ મિથ્યાત્વ ખર્યું નહીં! મિથ્યાત્વ ખસે નહીં તો એ ધર્મ કેવી રીતે કહેવાય? એ બાહ્ય ધર્મ છે, વ્યવહારધર્મ છે, રૂઢિ પ્રમાણેનો ધર્મ છે, કાલ્પનિક ધર્મ છે, પણ વાસ્તવિક ધર્મ નથી. સત્ય વસ્તુ મળે તો ગમે ત્યાંથી લઈ લો, એમાં શું વાંધો છો? તમને કિંમતી હીરો કોઈ કસાઈની દુકાન આગળથી મળે તો લો કે ના લો? લઈ