________________
૩૦૬
ક્ષમાપના
વચનોને લક્ષમાં લો તો શ્રદ્ધા દઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અગત્યતા દર્શાવી. ‘શીલને સેવ્યું નહીં’ એમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની મુખ્યતા બતાવી, એનું નામ શીલ છે. રત્નત્રયની અભેદતા એનું નામ શીલ છે.
તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.
આ બધા આત્માના ગુણો છે, જે શીલમાં આવી જાય છે. દયા, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય – આ બધા શીલ કહેવાય. શીલમાં આત્માના બધા ગુણો સમાય છે. આત્માના અનંત ગુણો છે તે શીલરૂપ છે. સમ્યક્ પરિણમન થાય એ ચારિત્રનું પાલન છે, શીલનું પાલન છે.
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ છે’, અને સર્વ ગુણોનું સમ્યક્ પ્રકારે અંશે પરિણમન થાય તે ચારિત્ર છે. આમ તો અનંત ગુણો છે, પણ અહીં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ મુખ્ય ગુણો બતાવ્યા છે.
દયા ઃ- દયા બે પ્રકારની છે – સ્વદયા અને પરદયા. સૌથી પહેલાં તો પોતે પોતાની દયા ખાવાની છે, પોતાને પોતાની પર દયા આવવી જોઈએ કે અનંતકાળમાં મેં જ મને ખૂબ રખડાવ્યો ને ખૂબ દુઃખી થયો, પણ હું ચાર ગતિમાંથી મુક્ત થાઉં એવા પ્રકારના મેં પરિણમન કર્યા નથી. જેમ શીલ એટલે રત્નત્રયના અભેદ પરિણામ તેમ સ્વદયા એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભેદતા, એકતા. પરદયા આઠ પ્રકારની છે. અભ્યાસુએ શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ – ૯ માંથી વિશેષ જોઈ લેવું. દયાનું બીજું નામ અનુકંપા એટલે કે કોઈપણ જીવ કિંચિત્ માત્ર પણ દુઃખી ન થાય એવા પરિણામ કરવા. પરમકૃપાળુદેવે કહ્યું છે,
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ !
— શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૨
અત્યાર સુધી જીવે વ્યવહારદયા તો અનંતવાર પાળી, છકાયના જીવોને અભયદાન આપ્યું પણ નિશ્ચયદયાનું લક્ષ થયું નહીં. દયા એટલે અહિંસા. રાગ-દ્વેષ-મોહમય પરિણામ કરવા તે હિંસા છે અને રાગ-દ્વેષ-મોહ પરિણામને ઉત્પન્ન થવા ના દેવા તેનું નામ અહિંસા,