________________
૪૩૩
છ પદનો પત્ર પછી આત્માની વાત આપણે કરીએ. વાંચીએ, વિચારીએ, સાંભળીએ, તો એ બંનેમાં ઘણો ફરક પડી જાય છે. કેમ કે, હવે ઓળખાણ થઈ છે. ઓળખાણ થઈ છે એટલે કામ થઈ જાય છે.
સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાઓ ને ટિકીટ આપનારો ઓળખાણવાળો નીકળી જાય તો? તો કામ થઈ જાય. ટિકિટ ના હોય તો પણ એ ગમે ત્યાંથી પણ તમને ટિકિટ અપાવી દે. ઓળખાણથી કોઈ કામ અટકતા નથી. એમ છ પદ દ્વારા આત્માની ઓળખાણ થઈ તો મોક્ષ સુધીના કોઈ કામ પછી અટકતા નથી. એકવાર ઓળખાણ કરો. ઓળખાણ થશે પછી તમને આત્મા સિવાય ક્યાંય ગમશે નહીં. ગમે તે કરવા જશો, તો પણ તમારો ઉપયોગ તેમાં તમને સહકાર નહીં આપે. તે કહે છે કે તારે શાંતિ જોઈએ છે તો હવે આત્માની સમીપ આવ - આત્માની ઓળખાણ વધાર. આત્મશાંતિ જોઈએ છે, તો આત્માની નજીક રહે. અત્યારે તું લાખો ગાઉ દૂર છે. નજીક રહે. જરૂર શાંતિ મળશે. આત્માની પાસે શાંતિ નહીં મળે? ક્ષીર સમુદ્રથી જો તૃષાતુરની તૃષા તૃપ્ત નહીં થાય તો બીજા ખારા દરિયાઓ પાસે તૃપ્ત ક્યાંથી થવાની છે? અનંત જીવોએ આત્માની ઓળખાણ કરી, આત્મસ્થ થઈ, સ્વરૂપસ્થ થઈ, સ્વરૂપની અનંત શાંતિને પ્રાપ્ત કરી છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૯૦૧માં કહ્યું છે,
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
આમ, સમ્યગદર્શન માટે આત્માની ઓળખાણ કરવી, બંધથી અટકવું અને બંધના કારણોને છોડવા.
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ આસ્રવ - બંધના કારણોથી છૂટવું અને સંવર - નિર્જરાના કારણોમાં પ્રવર્તવું તે મોક્ષ છે, સમ્યગદર્શન છે.
હવે પહેલું પદ કહે છે,
પ્રથમ પદ - “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. | અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.