________________
શું સાધન બાકી રહ્યું ?
૧૯૩
કહે કે ભાઈ ! આ છોડી દો. આ નથી કરવાનું. તો તમે કહો કે સાહેબ ! મારે ઉદય છે ને આ થોડું કરવું પડે એમ છે. ત્યારે જ્ઞાની કંઈ બોલતા નથી, પણ તમારી યોગ્યતાને માપી લે છે. વાણિયો લાભ-નુક્સાનની ગણતરી બહુ કરે કે આમાં લાભ છે કે નુક્સાન ? એટલે એ ગણતરી અહીં મૂકી દો. આત્માની આરાધના કરશો એમાં લાભ જ છે અને બાકીના સંયોગોને છોડશો એમાં લાભ જ છે.
તારા ભાગ્યમાં હશે એ ક્યાંય જવાનું નથી અને હશે તો પણ તમને એ આત્માની શાંતિ આપવાનું નથી. જગતનો કોઈ પદાર્થ તમને શાંતિ આપે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં અને તમારા આત્માને કોઈ પદાર્થની જરૂર પણ નથી અને એને કાંઈ કામ પણ આવતો નથી. દુનિયાનો એક અણુ-પરમાણુ પણ આ જીવને કામ આવતો નથી, કોઈ જીવ કામમાં આવતો નથી, છ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય એને કામ આવતું નથી. એ તો સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, અસંગ અને એકાકી છે, અકિંચન છે. એટલે વારંવાર અકિંચનપણાની ભાવના ભાવો. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે બાર ભાવનાઓમાં એકત્વભાવના બહુ ઉપકારી થાય છે. જ્યારે જ્યારે કંઈક ટેન્શન ઊભું થાય ત્યારે એકત્વનો વિચાર કરો કે હું તો એકાકી છું ને મારે આ બનાવ સાથે શું નિસ્બત છે ? દુનિયાની કોઈ વસ્તુ સાથે નિસ્બત નથી. હું તો માત્ર જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપી સચ્ચિદાનંદ છું. સચ્ચિદાનંદ, સ્વરૂપોહમ્, સહજાત્મ સ્વરૂપોહમ્, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપોહમ્, સોહમ્, પરમાત્મ સ્વરૂપોહમ્. નિશ્ચયદૃષ્ટિ આવશે એટલે વ્યવહારદૃષ્ટિની બધી આકુળતા મટી જશે. નિશ્ચયદૃષ્ટિ આત્માના અભેદ સ્વરૂપને પકડાવે છે અને જ્યાં ઉપયોગ તમારો અભેદ થયો ત્યાં બધાય વિકલ્પો ને દુઃખ મટી ગયા અને એ જ સાધના છે. ઉપયોગને ભેદાભેદમાંથી અભેદ આત્મામાં એકાકાર કરવો.
અભેદ એટલે શું ? તો હું સમ્યગ્દર્શન સ્વરૂપ છું કે સમ્યજ્ઞાન સ્વરૂપ છું કે સમ્યક્ચારિત્ર સ્વરૂપ છું એ પણ ભેદ નહીં. હું તો અનંતગુણોનો અભેદ આત્મા, દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ, ત્રણે કાળ એક છું. એમાં ઉપયોગ દ્વારા અભેદ થવું તે સાધના છે. જ્યાં ભેદ છે ત્યાં વ્યવહાર છે અને જ્યાં અભેદ છે ત્યાં નિશ્ચય છે. એટલે શુદ્ધ નય અભેદતાને બતાવે છે અને બાકીના બધા નય ભેદને બતાવે છે. શુદ્ધ નયની અપેક્ષાએ નિશ્ચયનય પણ વ્યવહાર થઈ જાય છે. તો આવી અભેદ દષ્ટિ થવી જોઈએ. અભેદમાં હું દર્શન સ્વરૂપી, જ્ઞાનસ્વરૂપી સચિદાનંદસ્વરૂપી આત્મા છું એ પણ વિકલ્પ નથી. એ પહેલી ભૂમિકામાં હતા, હવે અભેદની ભૂમિકામાં આવ્યો ત્યારે બધાય વિકલ્પો સમાઈ ગયા અને અભેદમાં, નિર્વિકલ્પપણામાં સ્વસંવેદન આવી ગયું. બસ, આ