________________
૩૭૮
ક્ષમાપના
જ્ઞાનીપુરુષોને જોઈને અનેક અજ્ઞાનીઓને પણ અસર થઈને અજ્ઞાન મૂકીને આત્માના માર્ગમાં લાગી ગયા. જે પહેલા ડાબા હાથનો પહેલા નંબરનો ખેલાડી હતો તે જ પાછો જમણા હાથમાં જાય તો જમણા હાથનો પહેલા નંબરનો ખેલાડી થઈ જાય ! પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે, દોષોથી – પાપોથી પાછું ફરાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે, રત્નત્રયના માર્ગમાં આવે, જ્ઞાનીઓના બોધ અનુસાર જીવન બનાવે. બસ એક જ કામ કરવાનું છે. ઉપયોગને ઘર ભેગો કરો. બીજું કામ નથી કરવાનું. અનાદિકાળથી શુભાશુભ ભાવોમાં ભટકી રહ્યો છે. ઉપયોગને પાછો ફેરવીને ઘર ભેગો કરો. બસ આ કરવાનું છે. ટૂંકું ને ટચ. પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો ચોર્યાશીમાં ફસ અને તારી મૂર્ખામી ઉપર હસ, લે બસ !
ખાણ ખોદવામાં ખૂબ મહેનત છે. પાંચ માઈલ ખાણ ખોદવામાં ઘણો સમય જાય, પણ એમાંથી હીરો કાઢવો હોય તો એક સેકન્ડમાં કાઢી લઈએ. તેવી જ રીતે સાધનામાં સમય લાગશે, પણ જ્યારે તમારી યોગ્યતા આવશે ત્યારે એક સમયમાં કામ થઈ જશે.
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ એક સમયમાં જાત્યાંતર થઈ જાય છે. આગલા સમયની પર્યાય મિથ્યાત્વની, બીજા સમયની પર્યાય સમ્યક્ત્વની. આ એક સમય માટે અનંતકાળ નીકળ્યો. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરવા માટે કેટલો કાળ ગયો ? તો પણ હજુ ઠેકાણું પડ્યું નથી. તો વિચાર કરો કે કેવા પ્રકારનો પુરુષાર્થ હોય તો કાર્ય થાય ?
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
અત્યાર સુધી આપણે સ્થૂળ વિચારો કર્યા, એટલે ઊંડા ન જઈ શક્યા. હવે સૂક્ષ્મ વિચાર કરે તો અંદ૨માં વધારે ઊંડાણમાં જઈ પોતાના સ્વરૂપના અસ્તિત્વનો ભાસ થાય. અત્યાર સુધી આ દોષ કર્યો છે કે મેં ધર્મના સ્થૂળ વિચારો ખૂબ કર્યા, સૂક્ષ્મ વિચારો નથી કર્યા. પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. આજ દિન સુધી ભગવાન તરફ નજર કેમ નથી ગઈ ? તો કે પોતાના દોષો અંદરમાં તપાસ્યા નહીં અને દોષો તપાસે નહીં તો દોષોનો નાશ કેવી રીતે થાય ?