________________
૪૨૬
છ પદનો પત્ર જગતમાં જે કાંઈ છે તે બધું પર અને એક પોતાનો આત્મા તે સ્વ. બસ આ બે વચ્ચેનો ભેદ યથાર્થપણે પોતાના જ્ઞાનમાં સમજાય અને પકડાય તો તે પણ એક સમ્યગુદર્શન છે. “આત્મા તે હું, આત્મા સિવાય હું કશું નથી” અને “આત્મા સિવાય કશું મારું નથી. તેમ સર્વ પરમાંથી અહ-મમત્વપણું નીકળી જાય. જે અહબુદ્ધિ પરમાં હતી તે નીકળીને સ્વમાં થાય તો તે સ્વપરનું શ્રદ્ધાનું કહેવાય.
આ પણ આપણે કરી શકીએ છીએ. જેમ જેમ આપણી સાધના અને અભ્યાસ વધતો જાય તેમ તેમ આપણને સ્વ-પરનો એકદમ સ્પષ્ટ નિર્ણય થતો જાય. જેમ અજવાળું હોય અને આપણને ચોખ્ખું દેખાય તેમ જ્ઞાનના પ્રકાશમાં સ્વ અને પર બંને ચોખા દેખાય છે.
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - ‘જડ-ચેતન વિવેક' દરેક દ્રવ્ય પોતાનામાં જ સ્થિત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ભળી, એકમેક નથી થઈ જતું. એ તો જુદું જ છે, પણ આપણા જ્ઞાનમાં એ ભેળસેળને છુટા પાડવાની જે શક્તિ ને યોગ્યતા નહોતી તે હવે આપણને તત્ત્વની વિચારણા દ્વારા, જ્ઞાનીપુરુષના બોધ દ્વારા સ્વ-પરનો ભેદ સમજાવાથી પ્રાપ્ત થઈ છે કે જે જાણનાર - દેખનાર તત્ત્વ છે તે હું છું. આ જે જણાય છે તે હું નથી. એટલે જાણનારને જાણો, દેખનારને દેખો.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫