________________
શું સાધન બાકી રહ્યું ?
ગાથા - ૧
યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દંઢ આસન પદ્મ લગાય દિયો.
૧૩૧
યમનિયમ :- યમ એટલે મહાવ્રતો. તે આખા જીવન માટે હોય. જીવીએ ત્યાં સુધી મહાવ્રતો અંગીકાર કરવા તેને યમ કહેવાય. અણુવ્રત કે મહાવ્રત જીવનપર્યંત લઈએ તે યમ છે. નિયમ એટલે અમુક સમય પૂરતું જે વ્રત લઈએ, ત્યાગ કરીએ તે. જેમ કે, અમુક સમય માટે દિવ્રત લેવું કે અમુક દિશાઓમાં અમુક અંતર સુધી જઈશ અને હિન્દુસ્તાનની બહાર નહીં જાઉં. તેમાં પણ ચોમાસામાં હું ગુજરાતની બહાર નહીં જાઉં કે આ ઈડરથી બહાર નહીં જાઉં કે આટલા ક્ષેત્રથી બહાર નહીં જાઉં તે દેશવ્રત. આમ, આજીવન માટે લઈએ તે યમ અને અમુક સમય માટે લઈએ તે નિયમ કહેવાય.
સંજમ :- સંજમ એટલે સંયમ. પ્રાણીસંયમ અને ઈન્દ્રિયસંયમ - એમ સંયમના બે પ્રકાર છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ કરવો એમ છ પ્રકારે ઈન્દ્રિયસંયમ છે અને છકાયના જીવોની રક્ષા કરવી એમ છ પ્રકારે પ્રાણીસંયમ છે. મુનિઓને સંપૂર્ણ છકાયની રક્ષા હોય છે. શ્રાવકો સ્થાવર જીવોની, એકેન્દ્રિય જીવોની રક્ષા કરી શકતા નથી અને તેમને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. તેઓ એકદેશ અહિંસાનું પાલન કરી શકે છે, મુનિ જેવું સંપૂર્ણ ના કરી શકે. કેમ કે, શ્રાવકોને વસ્ત્ર પહેરવા પડે, ધોવા પડે, પૈસા કમાવા પડે, અગ્નિ સળગાવવો પડે, વાસીદુ વાળવું પડે, ખાંડવું પડે, દળવું પડે, લાઈટ કરવી પડે, ગાડીઓનો ઉપયોગ કરવો પડે, આરંભ કરવો પડે, પરિગ્રહ રાખવો પડે, એટલે મુનિ જેવી અહિંસાનું પાલન શ્રાવક ના કરી શકે અને મુનિઓને તો પાંચ ઈન્દ્રિયના વિષયોનો પણ ત્યાગ હોય છે, છ કાય જીવોને પણ અભયદાન આપે છે. આવા સંયમનું પાલન આપણે અનંતવાર કર્યું. અનંતવાર જિનદીક્ષા, અનંતવાર મુનિપણું, અનંતવાર આચાર્ય, અનંતવાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ એક સત્ સુણ્યું નહીં, શ્રધ્યું નહીં, આચર્યું નહીં. એ સુણ્યે, ધ્યે અને આચર્યે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે. બીજા અનેક પ્રકારના નિયમો પણ પાપના ત્યાગના કે દોષોના ત્યાગના અનંતવાર કર્યા. યમનિયમ સંજમ આપ કિયો. આપ એટલે આપણી વાત છે. તમે કર્યો આપણે બધાએ કર્યો. આ ભવમાં પણ કર્યો છે, પૂર્વના ભવમાં પણ કર્યો છે. પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;