________________
૫૦૭
છ પદનો પત્ર
અને જેને રહ્યું એનું ફળ સિગ્નલોક છે. જેણે પોતાના ભાવોનું નિરીક્ષણ કર્યું અને પોતાના ઉપયોગને ફેરવ્યો; અશુદ્ધ ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગમાં આવ્યા. બસ “પરિણામ એ બંધ” અને ‘“ઉપયોગ તે ધર્મ.’' જેણે ઉપયોગ ફેરવ્યો એ જીત્યો.
કુદરત કાંઈ બોમ્બ નથી નાંખતી, પણ પાપ કરીને એવા કર્મ બંધાવે કે એના ઉપર બોમ્બ પડે. બહારમાં આપણને લાગે છે કે મારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. ભાઈ ! રહેવા દે. કર્મની લાકડી બધાંય ઉપર બળવાન છે. મોટામોટા તીર્થંકર ભગવંતોને પણ કર્મોએ છોડ્યા નથી ! માટે ‘ભાવ’ કરતા પહેલા આત્માને અટકાવો, ‘ભાવ' થઈ ગયા પછી જે બંધાઈ ગયું છે એ જ્યારે સ્થિતિ પાકીને ઉદયમાં આવે છે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે ! માટે હર સમયના ભાવને અનુરૂપ કર્મનું બંધન ચાલુ છે. ઊંઘતા કે જાગતા, સ્વાધ્યાયહૉલમાં હોય કે બહાર હોય, રાતના હોય કે દિવસે હોય – ગમે ત્યારે જે પરિણામ ચાલે છે એ પ્રમાણે ટેપીંગ ચાલ્યા જ કરે છે. બધા શાસ્ત્રોનો સાર કહી દીધો. કર્મગ્રંથનું ‘એસેન્સ’ તમને હાથમાં આપી દીધું. સંક્ષેપમાં એ વાતને સમ્યક્ પ્રકારે, સામાન્ય જીવ પણ સમજી શકે તે રીતે મૂકી છે.
-
જે કાંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. હવે દૃષ્ટાંત આપે છે કે, વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કાંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. દૃષ્ટાંત સાથે સિદ્ધાંત મૂક્યો છે. આપણે ભૂલથી તાવની દવાને બદલે માંકડ મારવાની દવા પી જઈએ તો તાવ ઉતરી જાય કે ના ઉતરે ? મરી જાય ! જે વિષ જાણતા કે અજાણતા ખાઈએ તો એનું ફળ આવ્યા વગર રહેતું નથી. સાકરના બદલે મીઠું આવી જાય તો આપણને ખારું લાગ્યા વગર રહેતું નથી. આપણે ભૂલથી મીઠાને સાકર માની લીધી પણ મીઠું એના ગુણધર્મ નથી છોડતું. એનો ખારાશનો અનુભવ એવો જ છે.
અજાણતા અગ્નિને અડી જઈએ અથવા અગ્નિનું જ્ઞાન ના હોય ને બાળક અગ્નિને અડી જાય તો એનું પણ ફળ આવે છે. હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ થયા વિના રહેતું નથી. હવે સિદ્ધાંત કીધો કે, આત્મા કષાયભાવે પરિણમે કે અકષાયભાવે પરિણમે, રાગ-દ્વેષ રૂપે પરિણમે કે વીતરાગતાપૂર્વક પરિણમે બેયના ફળ થવા યોગ્ય છે. માનીએ તો પણ થાય છે અને ના માનીએ તો પણ થાય છે. કોઈ કર્મસિદ્ધાંતને ન માને તો વસ્તુનું સ્વરૂપ ફરી જાય છે ? વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ફરતો નથી. ઘણી જાગૃતિ રાખીએ ત્યારે કષાય ઉપર કાબૂ આવે છે.